ટોપ ન્યૂઝનેશનલ

Atmanirbhar Bharat: ભારત 2027 બાદ કઠોળ આયાત નહીં કરે, વેબ પોર્ટલ દ્વારા ખેડૂતો પાસેથી સીધી ખરીદી થશે:અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2027 સુધીમાં ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં મોટો નિર્ણય લીધો છે. દેશના ખેડૂતો કઠોળનું વેચાણ સરળતાથી કરી શકે તે માટે સરકારે એક મહત્વની યોજના શરૂ કરી છે. સરકારી એજન્સીઓ NAFED અને NCCFએ એક વેબ પોર્ટલ શરૂ કર્યું છે જેના પર કઠોળનું ઉત્પાદન કરતા ખેડૂતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરી શકે છે. ખેડૂતોને તેમની ઉપજની ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર(DBT) દ્વારા સીધા તેમના બેંક ખાતામાં કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહે આ વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. અમિત શાહે કહ્યું કે, ચણા અને મગ સિવાય કઠોળના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર નથી. બાકીના કઠોળ માટે ભારત આયાત પર નિર્ભર છે. તેમણે કહ્યું કે, કઠોળની આયાત ભારત માટે બિલકુલ સન્માનજનક નથી. અમિત શાહે કહ્યું કે ભારત ડિસેમ્બર 2027 પહેલા કઠોળના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની જશે અને જાન્યુઆરી 2028થી ભારત એક કિલો કઠોળની પણ આયાત નહીં કરે.

વેબ પોર્ટલ લોન્ચ કરતા અમિત શાહે કહ્યું કે ખેડૂતોએ કઠોળની ખેતી કરતા પહેલા નાફેડ અને એનસીસીએફના વેબ પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે. પાકના ઉત્પાદન પછી, ખેડૂતો તેમની ઉપજને MSP પર ઓનલાઈન પોર્ટલના માધ્યમથી વેચી શકે છે. ખેડૂતોને તેમની ઉપજ માટે DBT દ્વારા ચુકવણી કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે જો કઠોળની કિંમત MSP કરતા વધુ હશે તો સરકાર વધુ કિંમત આપવા માટે ફોર્મ્યુલા તૈયાર કરશે.

અમિત શાહે કહ્યું કે ખેડૂતો તેમની ઉપજના ભાવ ન મળવાને કારણે કઠોળની વાવણી કરવાનું ટાળતા હતા. તેમણે ખેડુતોને કઠોળનું ઉત્પાદન કર્યા પછી જ્યાં તેઓને ઉંચા ભાવ મળે તે બજારમાં વેચવા છતાં પણ વેબ પોર્ટલ પર ચોક્કસપણે નોંધણી કરાવવા જણાવ્યું. પરંતુ તે સરકારની ગેરંટી છે કે જો કિંમત MSP કરતા ઓછી હશે તો NAFED અને NCCF ચોક્કસપણે તેમની પેદાશો ખરીદશે. અમિત શાહે કહ્યું કે, સરકાર અડદ અને મસૂરના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

અમિત શાહે કહ્યું કે, આ વેબ પોર્ટલ શરૂ થવાથી અને ભારત કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે, દેશના સામાન્ય લોકોને સસ્તા ભાવે કઠોળ મળી શકશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button