મુખ્ય પ્રધાન બનવા પર આતિશી કેમ ખુશ નથી? નવી સરકાર રચાવામાં વિલંબ થઇ શકે છે
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી દીધી છે. ત્યાર બાદ આજે મળેલી દિલ્હી AAPની વિધાનસભ્યોની બેઠકમાં કાલકાજી વિધાનસભા સીટના વિધાનસભ્ય આતિશી(Atishi Marlena)ને દિલ્હીના નવા મુખ્ય પ્રધાન બનાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્ય પ્રધાન બનવા જઈ રહ્યા છે. પરંતુ આતિશીએ જણાવ્યું હતું કે તે મુખ્ય પ્રધાન બનવા બદલ દુઃખી છે.
દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે આતિશીને મુખ્ય પ્રધાન બનાવવા અંગેની જાહેરાત કરી હતી. ગોપાલ રાયે કહ્યું કે આગામી ચૂંટણી સુધી દિલ્હીના સીએમ પદની જવાબદારી આતિશી જીને આપવામાં આવી રહી છે. તમામ વિધાનસભ્યોએ સર્વસંમતિથી આ નિર્ણય લીધો છે.
આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય દળની બેઠક બાદ મીડિયાને સંબોધતા આતિશીએ કહ્યું, ‘કેજરીવાલજીએ મારા પર વિશ્વાસ કર્યો. મને વિધાનસભ્ય બનાવી, મને પ્રધાન બનાવી અને આજે મુખ્ય પ્રધાન બનવાની જવાબદારી સોંપવામાં આવી છે. હું ખુશ છું કે કેજરીવાલજીએ મારા પર એટલો ભરોસો કર્યો છે. પરંતુ આજે જેટલી ખુશ છું એનાથી વધુ દુખી છું. મારા મોટા ભાઈ અરવિંદ કેજરીવાલ, જે દિલ્હીના લોકપ્રિય મુખ્ય પ્રધાન છે, આજે રાજીનામું આપી રહ્યા છે તે દુઃખદ છે. દિલ્હીના એક જ મુખ્ય પ્રધાન છે અને તે મુખ્ય પ્રધાનનું નામ છે અરવિંદ કેજરીવાલ.’
હવે સાંજે 4.30 વાગ્યે કેજરીવાલ સીએમ પદ પરથી રાજીનામું આપશે અને લેફ્ટનન્ટ ગવર્નરને સોંપશે. જે બાદ આતિષીના નેતૃત્વમાં નવી સરકારનો દાવો રજૂ કરવામાં આવશે.
AAP નેતાઓનું કહેવું છે કે નવી સરકાર માટેનો દાવો આજે જ કરવામાં આવશે. AAP વિધાનસભ્યોનું પ્રતિનિધિમંડળ કેજરીવાલ સાથે રાજભવન જશે. આતિશી મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે અને શરૂઆતમાં બે વિધાનસભ્યો સરકારમાં જોડાશે અને પ્રધાન તરીકે શપથ લેશે. 26 અને 27 સપ્ટેમ્બરે વિધાનસભાનું સત્ર મળવાનું છે. આતિશી પોતે આ સત્રને સંબોધશે, આ માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જો કે, સમગ્ર પ્રક્રિયામાં સમય લાગી શકે છે, કારણ કે રાજીનામા અને નવી સરકારની રચનાની પ્રક્રિયામાં રાષ્ટ્રપતિની મંજૂરી પણ જરૂરી છે. સૌથી પહેલા કેજરીવાલ લેફ્ટનન્ટ ગવર્નરને પોતાનું રાજીનામું સોંપશે. જે એલજી દ્વારા મંજૂરી આપવામાં આવશે અને તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.
હાલમાં દિલ્હીને 11 વર્ષ બાદ નવા મુખ્ય પ્રધાન મળવા જઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે
Also Read –