આતિશી, સુનીતા કેજરીવાલ અને સૌરભ ભારદ્વાજ… દિલ્હીના CM પદની રેસમાં કોણ આગળ?
નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ EDના રિમાન્ડમાં છે, તેમ છતાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તેમને જેલમાંથી સરકાર ચલાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ તાજેતરમાં ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર જેલમાંથી ચલાવવામાં આવશે નહીં. હાલમાં સીએમ કેજરીવાલ 1 એપ્રિલ સુધી EDના રિમાન્ડ પર રહેશે, હવે જો તેમના રિમાન્ડ આગળ વધશે તો કેજરીવાલના સ્થાને અન્ય કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈ અટકળોનું બજાર ગરમ છે.
હાલમાં દિલ્હીના સીએમ પદની રેસમાં મુખ્યમંત્રી કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ, સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ સામેલ છે. જો કે હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી અને માત્ર અટકળો ચાલી રહી છે. આવી સ્થિતિમાં એક મીડિયા હાઉસે સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓનલાઈન સર્ચ ડેટાનું એનાલિસીસ કરીને લોકોના મૂડને સમજવાનો પ્રયાસ કર્યો હતો.
કથિત શરાબ પોલીસી કૌભાંડમાં સીએમ કેજરીવાલની ધરપકડ બાદ ભાજપના નેતાઓ દાવો કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટી સુનિતા કેજરીવાલને મુખ્યમંત્રી બનાવી શકે છે. જોકે આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે કે મુખ્યમંત્રી કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે, પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આનાથી સરકારી કામકાજમાં ગંભીર વિક્ષેપ પડી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ પણ ઉભી થઈ શકે છે.
જો કે એનાલિસીસ દર્શાવે છે કે મંત્રી આતિશી તેમના સાથીદારો કરતા ઘણા આગળ છે. સીએમ કેજરીવાલની IRS પત્ની સુનીતા કેજરીવાલ બીજા સ્થાને છે. જ્યારે ત્રીજા નંબર પર સૌરભ ભારદ્વાજ છે જો કે સુનીતા અત્યાર સુધી તેમાંથી બહાર હતા જો કે તેમણે બે દિવસ પછી વીડિયો રિલીઝ કર્યો ત્યારે સોશિયલ મીડિયા પર તેની પહોંચ ચરમસીમાએ પહોંચી ગઈ હતી. કેજરીવાલની ધરપકડ પહેલા સુનીતાની ઓનલાઈન પહોંચ નહિવત હતી. જ્યારે, આતિશી અને સૌરભ ભારદ્વાજ તેમની રાજકીય ગતિવિધિઓ અને નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યા હતા.
એનાલિસીસથી જાણવા મળે છે કે જ્યારે પણ તેમણે વીડિયો રિલીઝ કર્યો ત્યારે ઓનલાઈન રસ વધી ગયો. સુનીતા કેજરીવાલે 23 માર્ચ, 27 માર્ચ અને 29 માર્ચે વીડિયો જાહેર કર્યા હતા. ઓનલાઈન યુઝર્સે તેમની શૈક્ષણિક લાયકાત, નોકરી, ઉંમર અને તેના પરિવારના સભ્યો વિશે સર્ચ કર્યું હતું. આ સિવાય તેની પ્રેસ કોન્ફરન્સના વીડિયો પણ સર્ચ કરવામાં આવ્યા હતા.