નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ આતિશી ૨૧ સપ્ટેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. કેજરીવાલે ૧૭ સપ્ટેમ્બર (મંગળવાર)ની સાંજે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને સીએમ પદ પરથી રાજીનામું સોંપ્યું હતું.
આ પણ વાંચો : સીએમ પદ છોડ્યા બાદ હવે ઘર પણ છોડશે Kejriwal….
તેમની સાથે આતિશી અને ૪ મંત્રીઓ હાજર હતા. આ પછી આતિશીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે નવી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નરને શપથગ્રહણની તારીખ નક્કી કરવાની પણ માંગ કરવામાં આવી હતી. દિલ્હી સરકારે ૨૬ અને ૨૭ સપ્ટેમ્બરે બે દિવસનું વિધાનસભા સત્ર બોલાવ્યું છે.
આતિશી દિલ્હીની ત્રીજી મહિલા મુખ્યમંત્રી હશે. આ પહેલા બીજેપીના સુષ્મા સ્વરાજ પહેલા સીએમ બન્યા હતા. જો કે તેમનો કાર્યકાળ ૫૨ દિવસનો હતો. આ પછી કોંગ્રેસ સરકારમાં શીલા દીક્ષિત સીએમ બન્યા હતા. શીલા દીક્ષિત સતત ત્રણ વખત સીએમ રહી ચૂક્યા છે. તેમનો કાર્યકાળ ૧૫ વર્ષ અને ૨૫ દિવસનો હતો.
સીએમ તરીકે ચૂંટાયા બાદ આતિશીએ કહ્યું હતું કે આગામી ચૂંટણી સુધી મારી પાસે માત્ર બે જ કામ છે. પ્રથમ- દિલ્હીની જનતાને ભાજપના ષડયંત્રથી બચાવવા. બીજું- કેજરીવાલને ફરીથી મુખ્યમંત્રી બનાવવા. આતિશીએ વધુમાં કહ્યું, દિલ્હીવાસીઓ આજે ગુસ્સામાં છે. તેઓ જાણે છે કે જો કેજરીવાલ સીએમ નહીં હોય તો તેમને મફત વીજળી નહીં મળે. સરકારી શાળાઓની હાલત ખરાબ થઈ જશે.
હોસ્પિટલોમાં સારી સારવાર નહીં મળે. મોહલ્લા ક્લિનિક્સ બંધ થઈ જશે. મહિલાઓ માટે મફત બસ યાત્રા, વૃદ્ધો માટે તીર્થ યાત્રા બંધ થશે. અમે જોયું છે કે ૨૨ રાજ્યોમાં ભાજપની સરકાર છે. તેમાંથી એક માં પણ મફત વીજળી અથવા બસ મુસાફરી નથી આપી શકતા.
આતિશી આપમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પછી ત્રીજા સૌથી મોટા નેતા છે. તેઓ કેજરીવાલ અને સિસોદિયા બંનેની ખૂબ નજીક છે. કેજરીવાલ અને સિસોદિયા જેલમાં હતા ત્યારે આતિશીએ પાર્ટી અને સરકારની જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી હતી.