ઉત્તર પ્રદેશની પુત્રવધુઓનું દિલ્હીમાં રાજ, શીલા બાદ હવે આતિશી…
દિલ્હીને આજે આતિશી માર્લેનાના રૂપમાં નવા મુખ્ય પ્રધાન મળી જશે. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્ય પ્રધાન હશે. આ પહેલા કોંગ્રેસની શીલા દીક્ષિત અને ભાજપ નેતા સુષ્મા સ્વરાજ દિલ્હી સીએમની ખુરશી સંભાળી ચુક્યા છે. દિલ્હીના ત્રણ મહિલા મુખ્ય પ્રધાનોમાંથી બે ઉત્તર પ્રદેશ સાથે વિશેષ જોડાણ ધરાવે છે. જેમાં શીલા દીક્ષિત અને આતિષી યુપીની પુત્રવધુ હતી.
શીલા દીક્ષિતે 15 વર્ષ સુધી દિલ્હી પર રાજ કર્યું. દીક્ષિત 1998 થી 2013 સુધી સતત ત્રણ વખત દિલ્હીના મુખ્ય પ્રધાન બન્યા હતા. તેઓ મૂળ પંજાબના કપૂરથલાની રહેવાસી હતા. શીલા દીક્ષિતનો જન્મ 31 માર્ચ 1938ના રોજ થયો હતો. તેમના લગ્ન ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં થયા હતા. તેમના લગ્ન સ્વાતંત્ર્ય સેનાની ઉમાશંકર દીક્ષિતના પુત્ર વિનોદ દીક્ષિત સાથે થયા હતા. ઉમાશંકર દીક્ષિત ઉન્નાવના ઉગુ ગામના રહેવાસી હતા. ઉમા શંકર પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પણ હતા. વિનોદ દીક્ષિત IAS ઓફિસર હતા. 20 જુલાઈ 2019 ના રોજ 81 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.
સતત 15 વર્ષ સુધી દિલ્હીનું સીએમ પદ સંભાળ્યા બાદ શીલા દીક્ષિત 2014માં કેરળના રાજ્યપાલ પણ બન્યા હતા. જો કે, તેઓ લાંબા સમય સુધી આ પદ પર રહ્યા નહોતા અને 6 મહિનામાં જ તેમણે કેરળના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. શીલા દીક્ષિત 11 માર્ચ 2014 થી 4 સપ્ટેમ્બર 2014 સુધી રાજ્યપાલ હતા. શીલા દીક્ષિતના કાર્યકાળની સૌથી મોટી ઉપલબ્ધિ દિલ્હીની લાઈફલાઈન એટલે કે મેટ્રો ટ્રેન રહી છે. દિલ્હી મેટ્રોનો શ્રેય શીલા દીક્ષિતને જાય છે.
આતિશી પણ યુપીની પુત્રવધુ છે
આપ નેતા આતિશી દિલ્હીના નવા મુખ્ય પ્રધાન બનશે. તેઓ પણ ઉત્તર પ્રદેશના પુત્રવધૂ છે. આતિશીના લગ્ન 2006માં ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના આનંદપુર ગામના રહેવાસી IIT પાસ એન્જિનિયર પ્રવીણ સિંહ સાથે થયા હતા. પ્રવીણ સિંહ BHUના વાઇસ ચાન્સેલર પણ હતા. પ્રવીણ હાલમાં સામાજિક કાર્યોમાં ખૂબ જ સક્રિય છે. તેઓ ગ્રામીણ વિસ્તારોમાં કૃષિ અને સામાજિક સ્થિતિ સુધારવા માટે સામાજિક કાર્ય કરે છે.
દિલ્હીને 1998માં પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન મળ્યા હતા. ડુંગળીના વધતા ભાવને કારણે
તત્કાલિન મુખ્ય પ્રધાન સાહિબ સિંહ વર્માને વિધાનસભાની ચૂંટણી પહેલા રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદ સુષ્મા સ્વરાજને દિલ્હીના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. તેઓ માત્ર 52 દિવસ જ મુખ્ય પ્રધાન રહ્યા અને ત્યાર બાદ વિધાન સભાની ચૂંટણીમાં ભાજપ ખરાબ રીતે હારી ગયું હતું. વર્ષ 1993 માં જ્યારે ભાજપે 49 બેઠકો જીતી હતી, પાંચ વર્ષ બાદ સત્તા વિરોધી લહેરને કારણે તેઓ માત્ર 15 સીટ જ જીતી શક્યા હતા.
હવે એ જાણીએ કે આતિશી કેવી રીતે દિલ્હીના પ્રધાન પદ સુધી પહોંચ્યા. તો દિલ્હીના દારૂ કૌભાંડમાં ફસાયેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 77 દિવસ સુધી જેલમાં રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જામીન પર મુક્ત થયા બાદ તેમણે દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ AAP વિધાન સભ્ય દળની બેઠકમાં આતિશીને સર્વસંમતિથી તેમના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આતિશી આજે સાંજે દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેશે.