પહેલા દિવસથી જ ભાજપે વચનો તોડવા માંડ્યા, આતિશીના ભાજપ પર પ્રહારો

નવી દિલ્હીઃ દિલ્હી વિધાન સભામાં જ્વલંત વિજય બાદ ભાજપની સરકાર બની ગઇ છે અને મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ કમાન સંભાળી લીધી છે. જોકે, તેમની રાહ આસાન નથી. તેઓ સતત વિરોધ પક્ષના નિશાના પર છે. વિરોધીઓ તેમના દરેક પગલાંને ચાંપીને બેઠા છે. ભાજપે આપેલા તમામ ચૂંટણી વચનો પૂરા કરવા તેમણે તલવારની ધારે ચાલવાનું છે. હજી તો રેખા ગુપ્તાએ કાર્યભાર સંભાળ્યો છે અને તેમની સરકાર પર વિપક્ષોના પ્રહાર શરૂ થઇ ગયા છે.
આતિશી માર્લેનાએ શું દાવો કર્યો? _-
આ દરમિયાન આમ આદમી પાર્ટી એ ભાજપ પર નિશાન સાધ્યું છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આતિશીએ કહ્યું છે કે ભાજપે મહિલાઓને વચન આપ્યું હતું કે તેઓ પહેલી કેબિનેટ બેઠકમાં જ 2500 રૂપિયાની યોજના લાગુ કરશે. આતિશીએ મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાને તેમની પહેલી કેબિનેટ બેઠકમાં દિલ્હીની મહિલાઓને 2500 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવાના પ્રસ્તાવને મંજૂરી ન આપવા બદલ ટીકા કરી હતી અને ભાજપ પર પોતાના વચનો તોડવાનો આરોપ લગાવ્યો હતો. આતિશીએ દાવો કર્યો હતો કે દિલ્હીની મહિલાઓ નવી સરકાર દ્વારા તેની પહેલી કેબિનેટ બેઠકમાં આ યોજના પસાર થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠી હતી પરંતુ ભાજપ સરકાર આવ્યાના પહેલા જ દિવસે પોતાના વચનો તોડવા માંડ્યા છે. શપથ ગ્રહણ સમારોહના સવારે નવા મુખ્યપ્રધાને ખાતરી આપી હતી કે મંત્રી પરિષદની પહેલી બેઠકમાં યોજનાને મંજૂરી આપવામાં આવશે પીએમ મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે પણ દરેક મંચ પરથી જાહેરાત કરી હતી કે આ યોજના કેબિનેટની પહેલી બેઠકમાં પસાર કરવામાં આવશે પરંતુ ભાજપે દિલ્હીના લોકોને છેતરવાનું મન બનાવી લીધું છે.
Also read: દિલ્હીમાં પડકાર બનશે આતિશી: ભાજપના ભાથામાંથી કયું શસ્ત્ર વધુ અસરકારક નીવડશે? જાણી જ લો !
છેલ્લા 24 કલાકમાં દિલ્હી સરકારની કામગીરી પર એક નજરઃ-
દિલ્હીમાં સરકારની રચના થાય તે પહેલા જ યમુના નદીની સફાઈનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. દિલ્હી સરકારની પહેલી કેબિનેટ બેઠક ગુરુવારે મળી હતી અને તેમાં દિલ્હીમાં આયુષ્યમાન ભારત યોજના લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત કેગ રિપોર્ટ પણ વિધાનસભામાં રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. દિલ્હી સરકારે પીડબ્લ્યુડી અને જલ બોર્ડના અધિકારીઓને કેબિનેટ સાથે ચર્ચા કરવા માટે પણ બોલાવ્યા છે. તેમણે દિલ્હીના રસ્તાઓને ખાડા મુક્ત બનાવવા માટે પણ કામગીરી શરૂ કરી દીધી છે
ભાજપે શું કહ્યું? :-
દિલ્હીમાં ભાજપ સરકાર સામે વિપક્ષોના પ્રહાર અંગે બોલતા ભાજપના વિધાન સભ્ય મોહનસિંહ બિષ્ટે જણાવ્યું હતું કે અમે દિલ્હીના વિકાસ માટેની એક નવી પહેલ શરૂ કરી દીધી છે. AAPના નેતા આતિશી માર્લેના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન છે, વર્તમાનના નહીં. અમને અમારી કામગીરીમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ અમે અમારા ચૂંટણી મેનિફેસ્ટોમાં જે પણ વચન આપ્યું છે તે ચોક્કસપણે પૂર્ણ કરીશું