ATF Price Cut : નવા વર્ષે સસ્તી થશે હવાઈ મુસાફરી, જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો
નવી દિલ્હી : હવાઈ મુસાફરી કરતા લોકો માટે નવા વર્ષે સારા સમાચાર આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓએ એરલાઈન્સને મોટી રાહત આપતા જેટ ફ્યુઅલના ભાવમાં ઘટાડો(ATF Price Cut) કરવાની જાહેરાત કરી છે. જેના પગલે નવા વર્ષે હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે. ડોમેસ્ટિક એરલાઈન્સ માટે એર ટર્બાઈન ફ્યુઅલ એટલે કે એટીએફની કિંમતમાં પ્રતિ કિલો લીટર 1401 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ATFના ભાવમાં ઘટાડા બાદ ઘરેલુ હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે છે.
એર ફ્યુઅલના ભાવમાં લગભગ 1.50 ટકાનો ઘટાડો સરકારી ઓઈલ કંપનીઓએ એવિએશન ઈંધણની કિંમતોની સમીક્ષા કરીને એટીએફની કિંમતો ઘટાડવાનો નિર્ણય કર્યો છે. 1 જાન્યુઆરી, 2025 થી સ્થાનિક એરલાઇન્સ માટે એર ફ્યુઅલના ભાવમાં લગભગ 1.50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 1401.37 રૂપિયા પ્રતિ કિલોલીટરના ઘટાડા બાદ રાજધાની દિલ્હીમાં ATFની કિંમત હવે 90455.47 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે જે ગયા મહિને 81,856.84 રૂપિયા પ્રતિ કિલોલીટર હતી.
કોલકાતામાં, ડોમેસ્ટિક એરલાઈન્સે તેમની ફ્લાઈટ્સમાં ATF ભરવા માટે પ્રતિ કિલોલીટર રુપિયા 93,059.79 ચૂકવવા પડશે, જેના માટે અગાઉ તેમને રુપિયા 94,551 ચૂકવવા પડતા હતા. મુંબઈમાં એટીએફની નવી કિંમત ઘટીને રુપિયા 84,511 થઈ ગઈ છે જે અગાઉ રુપિયા 85,861 હતી જ્યારે ચેન્નાઈમાં નવી કિંમત રૂ. 93,670 થઈ ગઈ છે જે અગાઉ રુપિયા 95,231 પ્રતિ કિલોલીટર હતી.
Also read: ભારતમાં શું ખરેખર એરલાઈન્સ સેવા ખરાબ થઈ રહી છે
ATFના ભાવમાં ઘટાડા બાદ ઈંધણ સરચાર્જમાં ઘટાડો એર ઈંધણના ભાવમાં ઘટાડાની અસર તરત જ જોવા મળશે. જ્યારે તમે એર ટિકિટ બુક કરો છો ત્યારે ડોમેસ્ટિક એરલાઇન્સ તમારી પાસેથી ફ્યુઅલ સરચાર્જ વસૂલ કરે છે. ATFના ભાવમાં ઘટાડા બાદ ઈંધણ સરચાર્જમાં ઘટાડો થઈ શકે છે. એટીએફની કિંમતો એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચના લગભગ 40 ટકા જેટલી હોય છે અને તેમાં વધારો કે ઘટાડો એરલાઇન્સના ખર્ચને પણ અસર કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઘટાડાને કારણે સરકારી તેલ કંપનીઓએ એટીએફની કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો છે.