એટીએફના ભાવમાં ચાર ટકાનો ઘટાડો
કમર્શિયલ એલપીજીના ભાવ પ્રતિસિલિન્ડર 1.50 ઘટ્યા
નવી દિલ્હી: જૅટ ઈંધણ (ઍર ટર્બાઈન ફ્યૂઅલ-એટીએફ)ના ભાવમાં ચાર ટકાનો તો 19 કિલોગ્રામના કમર્શિયલ ગૅસ સિલિન્ડરના ભાવમાં રૂ. 1.50ના ઘટાડાની સોમવારે જાહેરાત કરવામાં આવી હતી.
એટીએફના ભાવમાં આ સતત ત્રીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, ઘરવપરાશ માટે ઉપયોગમાં લેવાતા રાંધણગૅસના ભાવમાં કોઈ ફેરફાર કરવામા ન આવ્યા હોવાને કારણે 14.2 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ રૂ. 903 યથાવત રહ્યો છે.
સરકાર સંચાલિત ઈંધણ કંપનીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ રાજધાની દિલ્હીમાં એટીએફના ભાવમાં પ્રતિકિલોલીટર રૂ. 4,1625 કે 3.9 ટકાનો ઘટાડો કરવામાં આવતાં એટીએફનો ભાવ ઘટીને પ્રતિકિલોલીટર રૂ. 1,01,993.17 થઈ ગયો હતો.
જૅટ ઈંધણના ભાવમાં આ સતત ત્રીજો ઘટાડો છે. નવેમ્બરમાં એટીએફના ભાવમાં છ ટકા એટલે કે પ્રતિકિલોલીટર રૂ. 6,854.25 અને ડિસેમ્બરમાં 4.6 ટકા એટલે કે પ્રતિકિલોલીટર રૂ. 5,189,25નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
હૉટેલ અને રૅસ્ટોરાંમાં વપરાતા કમર્શિયલ એલપીજી ગૅસના સિલિન્ડરના ભાવમાં પ્રતિલીટર રૂ. 1.50નો ઘટાડો કરવામાં આવ્યો હોવાનું બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું. આ કારણે રાજધાની દિલ્હીમાં હવે કમર્શિયલ ગૅસ સિલિન્ડર રૂ. 1,755.50 અને મુંબઈમાં રૂ. 1,708.50માં મળશે. (એજન્સી)