આને કહેવાય ખરી મર્દાનીઃ ઈદની સફાઈ સમયે પતિનું એવું કારનામું ખૂલ્યું કે મહિલાએ સીધી રેલવેને કરી ફરિયાદ
ભોપાલઃ કોઈપણ પત્ની કે સ્ત્રી માટે પોતાાન પતિ અથવા પરિવારના પુરુષ સામે લડવું સહેલું હોતું નથી અને એ પણ એક એવી વાત માટે જેનાથી તેને પોતાને નહીં પણ દેશને નુકસાન છે, પણ ભોપાલમાં એક એવી મહિલાની વાત બહાર આવી છે જેણે સામાન્ય લાગતી વાત માટે પતિની ફરિયાદ રેલવે વિભાગને કરી છે અને આ માટે પતિની મારઝૂડ પણ સહન કરી છે.
વાત છે ફરિયાદી મહિલા અફસાના ખાનની. અફસાના ઈદ પહેલા ઘરની સફાઈ કરી રહી હતી ત્યારે તેને ઘરમાં રાખેલી એક સંદુકમાંથી ઘણા બધા સફેદ ટુવાલ, નેપ્કિન અને ધાબળા મળ્યા. અફસાનાને સમજાયું કે આ તેનાં પતિ અરશદે રેલવેમાંથી ચોર્યા છે. અફસાનાએ પતિને સમજાવવાની કોશિશ કરી પણ બદલામાં માર મળ્યો. છતાં તે હારી નહીં અને તેણે રેલવેમાં ઓનલાઈન ફરિયાદ કરી દીધી.
અફસાનાએ એક અહેવાલ કહ્યું હતું કે હું રાજસ્થાનના કોટાની રહેવાસી છું. મારા લગ્ન કાનપુરના રહેવાસી મોહમ્મદ અરશદ સાથે આ વર્ષે 12 જાન્યુઆરીએ થયા હતા. અરશદ એક ખાનગી કંપનીમાં આઈટી એન્જિનિયર છે અને હાલમાં મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના એરપોર્ટ રોડ પર દત્તા કોલોનીમાં એક મકાનમાં ભાડેથી રહે છે અને ઘરેથી કામ કરે છે. લગ્ન પછી હું મારા પતિ સાથે ભોપાલના ઘરમાં રહેતી હતી. દરમિયાન, રમઝાન મહિનાની શરૂઆત અને ઈદના તહેવાર પહેલા, મેં ઘરની સફાઈ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન, જ્યારે મેં રૂમમાં રાખેલ એક બોક્સ ખોલ્યું તો હું ચોંકી ગઈ, કારણ કે બોક્સમાં લગભગ 30 ટુવાલ અને ભારતીય રેલવેના 6 બ્લેન્કેટ અને ઘણી બેડશીટ રાખવામાં આવી હતી. આ સાથે દિલ્હીની એક મોટી હોટલનો સામાન પણ હતો. મારા પતિએ આ બધી વસ્તુઓ ચોરી કરીને છુપાવી રાખી હતી.
જ્યારે મેં મારા પતિને કહ્યું કે ચોરી કરવી ખોટી છે અને આ સામાન સરકારનો છે, તેથી આપણે તેને પરત કરી દેવો જોઈએ, ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા અને મને ચપ્પલ અને જૂતા વડે માર માર્યો પરંતુ મેં મારા મોબાઈલથી રેલવેમાં આ ફરિયાદ નોંધાવી અને જીઆરપીએફને ફોન કરીને રેલવેનો સામાન સોંપ્યો. જોકે પતિએ ધમકી આપવાનું શરૂ કર્યું ત્યારે મને થયું કે વાત વધારે બગડી શકે તેમ છે આથી હું મારા પિયર કોટા આવી ગઈ.
ફરિયાદી મહિલાએ રેલવેની મોબાઈલ એપ પર નોંધાવેલી ફરિયાદનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે અને એક વીડિયો પણ શેર કર્યો છે. આ અંગે રેલવેએ જણાવ્યું હતું કે ફરિયાદી મહિલા અફસાના ખાનનો સંપર્ક કર્યા બાદ તેણે જણાવ્યું કે મારા ઘરના એક બોક્સમાં 40 રેલ્વે બેડશીટ્સ છે, જેમાંથી કેટલીક દક્ષિણ રેલવેની છે અને કેટલીક અન્ય રેલવેની છે. અને સફેદ કલરના 30 ટુવાલ અને 6 ધાબળા મળી આવ્યા છે જે મારા પતિએ ચોરી લીધા છે. અમે તેની ફરિયાદની નોંધ લઈ આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ.
સિનિયર ડિવિઝન સિક્યુરિટી કમિશનર ભોપાલ પ્રશાંત યાદવે કહ્યું કે મહિલાની ફરિયાદ બાદ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ જે પણ હકીકતો બહાર આવશે તે મુજબ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જો કોઈ ભારતીય રેલવેના સામાનની ચોરી કરતા પકડાય છે તો રેલવે પ્રોપર્ટી એક્ટ-1966 હેઠળ કડક કાર્યવાહી થઈ શકે છે. રેલવેની મિલકતની ચોરી કે નુકસાન કરવા બદલ દંડ અને જેલ બંનેની જોગવાઈ છે. આ માટે એકથી પાંચ વર્ષની જેલ થઈ શકે છે. તે જ સમયે, લઘુત્તમ દંડ એક હજાર રૂપિયા સુધીનો હોઈ શકે છે. મહત્તમ દંડ રેલવે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે.
દેશને પ્રેમ કરવાની ઘણી રીત છે. સરકાર દ્વારા આપવામાં આવતી સેવાઓનું સન્માન કરવું, વસ્તુઓન દુરુપયોગ ન કરવો, દેશની તમામ સંપતિનું રક્ષણ કરવું, નિયમોનું પાલન કરવું આ બધુ તમામ દેશવાસીઓ કરવા માંડે તો અડધાથી વધારે સમસ્યાઓનું આપોઆપ નિરાકરણ આવી જાય. આ મહિલાએ બતાવેલી પ્રામાણિકતા અને હિંમત ખરેખર દાદ માગી લે તેવી છે.