‘…તેમના પ્રત્યે અમને સહાનુભૂતિ છે’, વેક્સીનની આડ અસર અંગે AstraZenecaનું નિવેદન

લંડન: એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ(AstraZeneca-Oxford)એ વિકસાવેલી કોવિડ-19 વેક્સીન(Covid-19 vaccine)ની ગંભીર આડ અસરો થતી હોવાનું કંપનીએ સ્વીકારતા દુનિયાભરમાં હોબાળો મચી ગયો છે. આ દરમિયાન, કંપનીએ મંગળવારે કહ્યું કે અમે દર્દીઓની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. માત્ર કેટલાક દુર્લભ કિસ્સાઓમા જ લોહીના ગંઠાવાનું અને પ્લેટલેટની સંખ્યા ઓછી થવાની સંભાવના છે. આ વેક્સીન ભારતમાં કોવિશિલ્ડના નામથી પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે.
AstraZeneca એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જેમણે વેક્સીનની આડઅસરને કારણે પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા કોઈ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેમના પ્રત્યે અમને સહાનુભુતિ દાખવીએ છીએ. દર્દીની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વેક્સીન સહિત તમામ દવાઓના સલામત ઉપયોગની ખાતરી કરવા માટેના અમારી પાસે સ્પષ્ટ અને કડક ધોરણો છે.”
વેક્સીનની આડઅસરને કારણે હાર્ટ અટેકની આવતા હોવાના અગાઉ પણ અહેવાલો મળ્યા હતા, પરંતુ કંપની આવા અહેવાલોથી ઇનકાર કરતી રહી. સોમવારે એસ્ટ્રાઝેનેકાએ કોવિડની રસી સાથે સંકળાયેલ આડઅસરોનો સ્વીકાર કર્યો હતો. કંપનીએ સ્વીકાર્યું છે કે અત્યંત દુર્લભ કિસ્સાઓમાં રસી થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નું કારણ બની શકે છે.
AstraZeneca સામે કોર્ટમાં કુલ 51 કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં પીડિત અને તેમના પરિવારો કંપની પાસેથી 100 મિલિયન યુરોથી વધુના નુકસાનની ભરપાઈ કરવા માંગ કરી રહ્યા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓ માટે રસી સલામત અને અસરકારક ગણાવી હતી.