વિધાનસભાના પરિણામોની ઈન્ડિયા ગઠબંધન પર કોઈ માઠી અસર નહીં પડે : શરદ પવાર
મુંબઈ : નેશનાલિસ્ટ્સ કૉંગ્રેસ પાર્ટી(એનસીપી)ના વડા શરદ પવારે કહ્યું હતું કે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિમાણની વિરોધ પક્ષોના બ્લોક ઇન્ડિયા પર કોઈ માઠી અસર નહીં પડે. આ ગઠબંધનમાં ૨૫ વિરોધ પક્ષનો સમાવેશ થાય છે. ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસ પાસેથી સત્તા છીનવી લીધી છે અને મધ્ય પ્રદેશમાં સત્તા જાળવી રાખી છે.
પવારે કહ્યું હતું કે મને નથી લાગતું કે વિધાનસભા ચૂંટણીના પરિમાણોની ઇન્ડિયા જોડાણ પર અસર પડશે. અમે દિલ્હીમાં કૉંગ્રેસના પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેના દિલ્હીના નિવાસસ્થાને મળીશુ. જે લોકોને જમીની હકીકતોની ખબર છે તેમની જોડે અમે વાત કરીશું. આ બેઠક પછી જ હુ કંઈ ટીપ્પણી કરી શકીશ. દરેકે એ સ્વીકારવું જોઈએ કે હાલના ટ્રેન્ડ ભાજપની તરફેણમાં છે.
તેલંગણામાં કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) કૉંગ્રેસથી પાછળ પડી ગયું એ અંગે તેમણે કહ્યું હતું કે અગાઉ એમ ધારવામાં આવતું હતું કે બીઆરએસ તેલંગણા જાળવી રાખશે. જોકે રાહુલ ગાધીની રૅલીને ભવ્ય પ્રતિસાદ મળતાં અમને પ્રતીતી થઈ હતી કે રાજ્યમાં પરિવર્તન થશે.
પવારની એનસીપી ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇનક્લુસીવ અલાયન્સ (ઇન્ડિયા)નો ભાગ છે અને આની રચના ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો સામને કરવા થઈ છે. (એજન્સી)