નેશનલ

વિધાનસભા ચૂંટણીઃ વિસ્ફોટ વચ્ચે છત્તીસગઢમાં 70.87 ટકા અને મિઝોરમમાં 75 ટકા મતદાન

રાયપુર: IED બ્લાસ્ટ, માઓવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબારની ઘટના વચ્ચે છત્તીસગઢમાં 70.87% મતદાન નોંધાયું છે. છત્તીસગઢમાં કાંકેર, સુકમા, બીજાપુર અને નારાયણપુરમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરની ચાર ઘટનાઓ બની હતી.

કાંકેરમાં ફાયરિંગમાં નક્સલવાદીઓએ એકે-47 રાઈફલનો પણ ઉપયોગ કર્યો હતો. એની સામે જવાબી કાર્યવાહીમાં કેટલાક નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાની અથવા માર્યા ગયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હુમલાને પગલે મતદારોની સુરક્ષા જાળવવા તેમને MI-17 હેલિકોપ્ટર વડે મતદાન મથક સુધી પહોંચાડવામાં આવ્યા હતા. જો કે કેટલાક નક્સલવાદી બાહુલ્ય ધરાવતા વિધાનસભા મત વિસ્તારો પર હજુપણ મતદાન ચાલુ છે.

આ સાથે જ મિઝોરમની તમામ 40 વિધાનસભા બેઠકો માટે પણ આજે મતદાન યોજાયું હતું. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો મિઝોરમમાં આશરે 75 ટકાની આસપાસ મતદાન નોંધાયું છે. મિઝોરમમાં શાસક પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ) અને છત્તીસગઢની શાસક પાર્ટી કૉંગ્રેસે આ વખતેય ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હવે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

ચૂંટણી પંચના આંકડા મુજબ, છત્તીસગઢમાં પ્રથમ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં આ વખતે 40 લાખ કરતાં વધુ મતદારો છે. તેમજ આ તબક્કામાં 223 ઉમેદવારના ભાગ્યનો નિર્ણય લેવાશે. જ્યારે મિઝોરમમાં કુલ 8.57 લાખ મતદાર છે, જે 174 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. છત્તીસગઢમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો છે જ્યારે મિઝોરમમાં તેની સ્થાપનાથી લઇને અત્યાર સુધી મિઝો નેશનલ ફ્રન્ટ અને કોંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ રમાતો આવ્યો છે. આ વખતે મિઝોરમમાં ‘ઝોરમ પીપલ્સ મુવમેન્ટ’ નામની પાર્ટીએ પણ જંગમાં ઝુકાવ્યું છે.

છત્તીસગઢમાં ચૂંટણીના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. છત્તીસગઢમાં કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં જે ધુરંધર અગ્રણી ઉમેદવારોને ઉતાર્યા છે તેમાં છત્તીસગઢ કોંગ્રેસના પ્રમુખ અને સાંસદ દીપક બૈજ (ચિત્રકુટ બેઠક), મંત્રીઓ કાવાસી લખમા (કોન્ટા બેઠક), મોહન મરકામ (કોંડાગાંવ બેઠક) અને મોહમ્મદ અકબર (કાવર્ધા) તેમજ છવીન્દ્ર કર્માં (દાંતેવાડા બેઠક)નો સમાવેશ થાય છે. તો બીજી તરફ ભાજપ માટે પૂર્વ મુખ્યપ્રધાન ડો.રમણ સિંહ રંજનગાંવથી કોંગ્રેસના છત્તીસગઢ રાજ્ય ખનિજ વિકાસ નિગમના અધ્યક્ષ ગિરીશ દેવાંગન સામે ચૂંટણી લડી રહ્યા છે. દરમિયાન મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટને આશા છે કે સતત બીજી વખત સત્તામાં તેનું પુનરાગમન થશે.

ગત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો એમએનએફે મિઝોરમમાં 40 માંથી 28 બેઠકો મેળવીને જીત હાંસલ કરી હતી.
જ્યારે છત્તીસગઢમાં વર્ષ 2018ની ચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટી 90 માંથી 68 બેઠકો મેળવીને બમ્પર જીત મેળવવામાં સફળ રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button