ચૂંટણી પ્રચાર વચ્ચે આસામના મુખ્ય પ્રધાન આ શું કરી રહ્યા છે?….. વીડિયો થયો વાયરલ
દિસપુરઃ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આસામની 4 લોકસભા બેઠકો પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. મતદાન પહેલા આ ચારેય બેઠકો પર હવે ચૂંટણી પ્રચાર તેજ થઈ ગયો છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. રવિવારે તેઓ એનડીએના સાથી પક્ષ યુપીપીએલ ઉમેદવારના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધવા આવ્યા હતા, જ્યાં તેમનો એક અલગ જ દેખાવ જોવા મળ્યો હતો. તેઓ ભાજપના સમર્થકો વચ્ચે વરસાદમાં નાચતા જોવા મળ્યા હતા.
રવિવારે સીએમ હિમંતા એનડીએ સાથી યુપીપીએલ ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધવા કોકરાઝાર પહોંચ્યા હતા. તેમની જાહેર સભાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ચૂંટણી ગીત ‘અકોઈ એબર મોદી સરકાર’ પર જનતા અને અન્ય નેતાઓ સાથે વરસાદમાં ડાન્સ કરતા જોવા મળે છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર ચૂંટણી પ્રચાર દરમિયાન આ વીડિયો શેર કર્યો છે.
વીડિયો શેર કરતા તેમણે લખ્યું હતું કે, ‘જ્યાં એક સમયે બંદૂક અને બોમ્બનો અવાજ સંભળાતો હતો અને રાત્રે બહાર જવું અશક્ય હતું. આજે એ જ સ્થળે શાંતિ અને પ્રગતિની લહેર છે. આ બદલાતા ભારતનું ચિત્ર છે. આ મોદીની ગેરંટી છે.
નોંધનીય છે કે આસામની 14 લોકસભા સીટો માટે 3 તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં તેજપુર, જોરહાટ, દિબ્રુગઢ અને લખીમપુરમાં મતદાન થયું હતું. આ પછી બીજા તબક્કામાં 26 એપ્રિલે કરીમગંજ, સિલચર, મંગલાદોઈ, નૌગાંવ અને કાલિયાબોર સીટો પર મતદાન થયું હતું. હવે ત્રીજા તબક્કામાં 4 સીટો ધુબરી, કોકરાઝાર, બારપેટા અને ગુવાહાટીમાં 7મી મેના રોજ મતદાન થશે.