Assam Flood: આસામમાં પૂરને કારણે ભારે તારાજી, 58 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
ગુવાહાટી: ઉત્તર પૂર્વ ભારતના આસામમાં પુર(Flood in Assam)ની પરિસ્થિતિ ભયંકર બની રહી છે, રાજ્યની મુખ્ય નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. શનિવારે આસામમાં પૂરને કારણે વધુ છ લોકોએ જીવ ગુમાવ્યા, મે મહિનાથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 58 પર પહોંચી ગયો છે. રાજ્યના 23 જિલ્લાઓમાં 23.97 લાખ લોકો પુરને કારણે પ્રભાવિત થયા છે. 3,500થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. 68 હજાર હેક્ટરથી વધુનો પાક પૂરના પાણીમાં ધોવાઈ ગયો છે.
અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં જે 6 લોકો મોત થયા, તેમાં ચાર બાળકોનો સમાવેશ થાય છે, જેમાંથી એક બાળકી છે. રાજ્યમાં 293 રાહત શિબિરોમાં 53,429 લોકો આશ્રય લઇ રહ્યા છે. કાઝીરંગા નેશનલ પાર્કમાં પૂરના પાણીમાં વધુ ઘટાડો થયો છે. ડૂબી જવાને કારણે 114 પ્રાણીઓના પણ મોત થયા છે, જેમાં છ ગેંડાનો પણ સમાવેશ થાય છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા સાથે પૂરની સ્થિતિ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આસામના લોકો સાથે ઊભા છે અને રાજ્યને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો : Assam Flood: આસામમાં ભયંકર પૂર, 40થી વધુ લોકોના મોત, 2800થી વધુ ગામ પ્રભાવિત
અમિત શાહે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, “ભારે વરસાદને કારણે આસામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મેં આસામના સીએમ હિમંતા બિસ્વા સાથે વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરી છે. NDRF અને SDRF યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે. રાહત પૂરી પાડવામાં આવી રહી છે અને પીડિતોને બચાવવામાં આવી રહ્યા છે.”
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે પક્ષના નેતાઓ અને કાર્યકરોને બચાવ અને પુનર્વસન કામગીરીમાં મદદ કરવા જણાવ્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “આસામમાં પૂરની સ્થિતિ વધુને વધુ ખતરનાક બની રહી છે. પૂર સામે લડી રહેલા આપણા ભાઈઓ અને બહેનો સાથે મારી સંવેદના છે. હું કેન્દ્ર અને રાજ્ય સરકારોને વિનંતી કરું છું કે અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે. “
આસામની હાઇડ્રોલોજિકલ સ્થિતિ અને ક્લાઇમેટિક પરિબળોના જટિલ સંયોજનને કારણે આસામમાં લગભગ દર વર્ષે પુરની સ્થિતિ ઉદ્ભવે છે. રાજ્યમાંથી 120 થી વધુ નદીઓ વહે છે, જેમાંથી ઘણી નદીઓ અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં ભારે વરસાદના હોટસ્પોટ્સના પહાડો અને પર્વતોમાં ઉદ્દભવે છે. ભારે વરસાદને કારણે કાંઠા વટાવીને વહેતી નદીઓના ઘરો અને ખેતરોમાં પ્રવેશ કરે છે અને તારાજી સર્જે છે.