આસામમાં SIR બાદની અંતિમ મતદાર યાદી જાહેર, ડ્રાફ્ટ યાદીમાંથી 2.43 લાખ નામો રદ થયા…

ગુવાહાટી : આસામની 126 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી પંચે SIR બાદની અંતિમ મતદાર યાદી જાહેર કરી છે. જેમાં 2.49 કરોડથી વધુ મતદારો છે. આસામના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ મતદારોની સંખ્યા 2,52,01,624 હતી, જે અંતિમ યાદીમાં ઘટીને 2,49,58,139 થઇ છે. ડ્રાફ્ટ યાદીમાંથી 2.43 લાખ નામો રદ થયા છે. આ અંતિમ યાદીમાં 1,24,82,213 પુરુષ મતદારો, 1,24,75,583 મહિલા મતદારો અને 343 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
ઘરે ઘરે ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
આસામના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, SIR 2026 માટે સંકલિત ડ્રાફ્ટ મતદાર યાદી 27 ડિસેમ્બર, 2025 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. આ પહેલા 22 નવેમ્બર, 2025 થી 20 ડિસેમ્બર, 2025 દરમિયાન ઘરે ઘરે ચકાસણી અભિયાન સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું.
દાવા અને વાંધા નોંધાવી શકાતા હતા
મતદારો 27 ડિસેમ્બર, 2025 થી 22 જાન્યુઆરી, 2026 સુધી તેમના દાવા અને વાંધા નોંધાવી શકાતા હતા. ચૂંટણી પંચે તમામ નાગરિકોને ચોક્કસ અને અપડેટેડ મતદાર યાદી સુનિશ્ચિત કરવા માટે ખાસ સુધારણા પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી છે,જે મુક્ત અને ન્યાયી ચૂંટણીનો પાયો છે.
પશ્ચિમ બંગાળ માટે SIR માટેની અંતિમ તારીખમાં પણ સુધારો
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ માટે SIR માટેની અંતિમ તારીખમાં પણ સુધારો કર્યો છે. અંતિમ પ્રકાશન હવે 14 ફેબ્રુઆરી, 2026 ના રોજ થશે. તેનું કારણ વ્યાપક મતદાર ગણતરી અને મતદાન મથકોનું પુનર્ગઠન છે. પશ્ચિમ બંગાળમાં બૂથ-સ્તરના અધિકારીઓએ 11 ડિસેમ્બર, 2025 સુધીમાં ઘરે ઘરે જઈને ચકાસણી પૂર્ણ કરી હતી. ડ્રાફ્ટ યાદી 16 ડિસેમ્બર, 2025 ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી અને 15 જાન્યુઆરી, 2026 સુધી દાવાઓ અને વાંધાઓ સ્વીકારવામાં આવ્યા હતા.



