Assamમાં બસ અને ટ્રકની અથડામણમાં 14ના મોત, 27 ઘાયલ

દિબ્રુગઢઃ આસામના ગોલાઘાટ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 27 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ મુસાફરોમાંથી ઘણાની હાલત નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. અકસ્માતની માહિતી મળ્યા બાદ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત ગોલાઘાટ જિલ્લાના દેરગાંવ પાસે બાલીજાન ગામમાં થયો હતો. અકસ્માત સમયે બસમાં 45 લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેઓ વહેલી સવારે અઠખેલિયાથી બોગીબીલ પિકનિક માટે નીકળ્યા હતા. આ દરમિયાન, સવારે લગભગ 5 વાગ્યે, માર્ગેરિટા તરફથી આવતી ટ્રક બસ સાથે અથડાઈ હતી, જેને કારણે આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને JMCH લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા મુસાફરોની હાલત નાજુક જણાવવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે બસમાં સવાર તમામ મુસાફરો પિકનિક માટે તિનસુકિયાના તિલિંગા મંદિર જઈ રહ્યા હતા. ઘાયલોને હાલ જોરહાટ મેડિકલ કોલેજમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 14 મુસાફરોના મૃતદેહ મળી આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
થોડા સમય પહેલા આસામના દિબ્રુગઢ જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતની ઘટના બની હતી. 11 સપ્ટેમ્બર, 2023ના રોજ અહીં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા હતા. શિવસાગર જિલ્લાના કેટલાક લોકો ફેમિલી ફંક્શનમાં ભાગ લેવા માટે દિબ્રુગઢના શાંતિપાડા આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ પાછા શિવસાગર જઈ રહ્યા હતા, ત્યારે તેમની કાર રસ્તામાં એક ટ્રક સાથે અથડાઈ હતી. ટ્રક સાથે અથડાઈને કાર તરત જ પલટી ગઈ હતી અને તેના ફુરચા ઊડી ગયા હતા.