પરમાણુ ધમકી આપવાની પાકિસ્તાનની જૂની આદતઃ મુનીરના નિવેદનને ભારતે વખોડ્યું...

પરમાણુ ધમકી આપવાની પાકિસ્તાનની જૂની આદતઃ મુનીરના નિવેદનને ભારતે વખોડ્યું…

નવી દિલ્હી: પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર દ્વારા અમેરિકાની ધરતી પરથી ભારત વિરુદ્ધ આપવામાં આવેલી પરમાણુ ધમકી બાદ ભારતે આ નિવેદનને અત્યંત ગેરજવાબદાર ગણાવીને ફગાવી દીધું છે. સરકારી સૂત્રો અનુસાર, ભારતે કહ્યું છે કે આવા નિવેદનો પાકિસ્તાનને પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા માટે જોખમી બનાવી રહ્યા છે.

વિદેશ મંત્રાલયે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે પાકિસ્તાનના આર્મી ચીફે તેમની અમેરિકા મુલાકાતમાં આપેલા નિવેદને ધ્યાન ખેંચ્યું છે. પરમાણુ ધમકી આપવી એ પાકિસ્તાનની જૂની આદત છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પણ પાકિસ્તાનના આવા બેજવાબદાર નિવેદનો પર ધ્યાન આપીને નિષ્કર્ષ કાઢી શકે છે.

રાષ્ટ્રીય સુરક્ષા માટે તમામ પગલા ભરીશું
ભારત સરકારે કડક પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આ બાબત અત્યંત દુખદ છે કે મિત્ર રાષ્ટ્રની ધરતી પરથી નિવેદન કરવામાં આવ્યું છે. ભારત સરકારે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે તે પરમાણુ ધમકીઓને સહન કરશે નહીં. અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટે શક્ય તમામ પગલાં ભરીશું. મુનીરના નિવેદન પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષાને જોખમમાં મૂકી રહ્યું છે, જેનાથી વિશ્વને પાકિસ્તાનની પરમાણુ ક્ષમતાઓ વિશે ચિંતા થવી જોઈએ, એમ પણ ભારતે જણાવ્યું હતું.

શું કહ્યું હતું મુનીરે?
અમેરિકાના ટેમ્પામાં એક કાર્યક્રમમાં આસિમ મુનીરે ભારત વિરુદ્ધ પરમાણુ ધમકી આપતાં કહ્યું હતું કે, “જો અમને લાગશે કે અમે ડૂબી રહ્યા છીએ, તો અમે અડધી દુનિયાને સાથે લઈ ડૂબીશું.” આસિમ મુનીરે ભારત દ્વારા સિંધુ નદી પર બંધ બાંધવાની યોજના પર પણ નિશાન સાધ્યું હતું અને ધમકી આપી હતી કે પાકિસ્તાન તેને દસ મિસાઈલોથી નષ્ટ કરી દેશે.

પાકિસ્તાનનું નિવેદન વૈશ્વિક સુરક્ષા માટે સંકટ
ભારત સરકારે આસિમ મુનીરના નિવેદનને ગેરજવાબદાર અને બિનજરૂરી ગણાવ્યું છે. સરકારી સૂત્રોએ કહ્યું કે આ નિવેદનો માત્ર ક્ષેત્રીય જ નહીં, પરંતુ વૈશ્વિક સુરક્ષા માટે પણ સંકટ છે. ભારતે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે આનાથી દુનિયાએ પાકિસ્તાનની પરમાણુ ક્ષમતાઓ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ, કારણ કે પાકિસ્તાન જેવા નોન-સ્ટેટ એક્ટર્સના હાથમાં પરમાણુ હથિયાર હોવું અત્યંત જોખમી છે.

ભારતનું કહેવું છે કે આવા નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા પાકિસ્તાની સેનાને મદદ કરી રહ્યું છે, અને આનાથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાનમાં લોકશાહી નહીં, પરંતુ સેના જ સત્તા પર છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર હાલમાં અમેરિકાના સત્તાવાર પ્રવાસ પર છે.

આ પણ વાંચો…અમેરિકામાં અસીમ મુનીરની ‘હિંમત’ વધી, કહ્યું અમે ડૂબ્યા તો અડધી દુનિયા…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button