પાક.ના 14મા પ્રમુખ તરીકે આસિફ અલી ઝરદારીએ શપથ લીધા
ઇસ્લામાબાદ: આસિફ અલી ઝરદારીએ રવિવારે પાકિસ્તાનના 14મા પ્રમુખ તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.
પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ કાઝી ફએઝ ઇસાએ પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન ખાતે 68 વર્ષીય ઝરદારીને શપથ લેવડાવ્યા હતા.
ઝરદારી ડૉ. આરિફ અલ્વીના અનુગામી બન્યા છે. ડૉ. અલ્વીની પ્રમુખપદની મુદત 2023ના સપ્ટેમ્બરમાં પૂરી થઇ ગઇ હોવા છતાં તેઓ વધુ પાંચ મહિના હોદ્દા પર રહ્યા હતા.
પાકિસ્તાનના પ્રમુખની શપથવિધિ વખતે વડા પ્રધાન શહબાઝ શરીફ, પાકિસ્તાનના લશ્કરની ત્રણે પાંખના વડા, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને રાજદ્વારીઓ હાજર રહ્યા હતા.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ-અધ્યક્ષ ઝરદારીને પાકિસ્તાનની શાસક યુતિના પ્રમુખપદ માટેના સંયુક્ત ઉમેદવાર બનાવાયા હતા. તેઓ પાકિસ્તાનના પ્રમુખપદે બીજી વખત ચૂંટાઇ આવ્યા હતા. તેમણે દેશના પ્રમુખપદ માટેના સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલના ઉમેદવાર મહંમુદ ખાન અચાકઝાઇને મતના મોટા તફાવતથી હરાવ્યા હતા.
ઝરદારી અગાઉ 2008થી 2013 સુધી પાકિસ્તાનના 11મા પ્રમુખ હતા અને પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાના સભ્ય 2018ના ઑગસ્ટથી હતા. (એજન્સી)