એશિયા કપ: આજે ભારત અને શ્રીલંકા વચ્ચે ફાઈનલ
કોલંબો: આજે રવિવારે અહીં રમાનારી એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકાને પરાજય આપી ભારતીય ટીમ બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં ટ્રોફી મેળવવાના પાંચ વર્ષના દુકાળનો અંત લાવશે.
ભારતીય ટીમમાં અક્ષર પટેલનું યોગદાન મહત્ત્વનું રહ્યું છે, પરંતુ તેની ઈજા ચિંતાનો વિષય બની ગઈ છે અને એટલે જ અક્ષર પટેલના વિકલ્પ તરીકે વૉશિંગ્ટન સુંદરને બોલાવવામાં આવ્યો છે. શ્રીલંકાની ટીમ પણ મુખ્ય સ્પિનર મહેશ થિક્સાનાની ઈજાને કારણે પરેશાન છે.
છેલ્લા પાંચ વર્ષમાં એક પણ ટ્રોફી ન જીતી શકેલી ભારતીય ટીમ આ દુકાળનો અંત લાવશે અને રવિવારની મેચ આ સપનું સાકાર કરવા ભારતીય ટીમ માટે મહત્ત્વની તક હશે.
ભારતે છેલ્લી ટ્રોફી વર્ષ ૨૦૧૮માં મેળવી હતી, જ્યારે રોહિત શર્માના વડપણ હેઠળની ટીમે દુબઈમાં રમાયેલા એશિયા કપમાં બંગલાદેશની ટીમને ત્રણ વિકેટે પરાજય આપ્યો હતો.
વર્ષ ૨૦૧૯માં ભારતની ટીમ વન-ડે વર્લ્ડ કપની સેમિફાઈનલમાં અને વર્ષ ૨૦૨૨માં ટી-૨૦ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી હતી.
વર્ષ ૨૦૧૯માં અને વર્ષ ૨૦૨૩માં વર્લ્ડ ટૅસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતનો અનુક્રમે ન્યૂ ઝિલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.
શુક્રવારે બંગલાદેશ સામે રમાયેલી સુપર ફોર મૅચમાં ભારતે પાંચ ખેલાડીને આરામ આપ્યો હતો, પરંતુ ફાઈનલ માટે ભારત ચોક્કસપણે એ ખેલાડીઓને ટીમમાં પાછા બોલાવશે.
એશિયા કપની ફાઈનલ માટે વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવની વાપસી ટીમનો જોશ અને જુસ્સો વધારશે.
ટીમ (ભારત): રોહિત શર્મા (કૅપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કે. એલ. રાહુલ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશાન, હાર્દિક પંડ્યા (વાઈસ કૅપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, વૉશિંગ્ટન સુંદર.
ટીમ (શ્રીલંકા): દાસૂન શનાકા (કૅપ્ટન), પાથૂમ નિશાનાકા, દિમૂથ કરુણારત્ને, કૂશલ જેનિથ પરેરા, કૂશલ મેન્ડિસ (વાઈસ કૅપ્ટન), ચરિથ અશાલાન્કા, ધનંજય ડિ‘ સિલ્વા, સાદેરા સમરાવિક્રમા, મહેશ થિકશાના, દૂલિથ વેલ્લાલથગે, માથીશા પાથિરાના, કાસૂન રાજિથ, દૂશાન હેમન્થા, બિનૂરા ફર્નાન્ડો અને પ્રમોદ મધૂશાન. (એજન્સી)