જ્ઞાનવાપી કેસમાં એએસઆઈએ કોર્ટમાં સર્વે રિપોર્ટ રજૂ કર્યો હવે 21 ડિસેમ્બરે આવશે ચુકાદો…
અલાહાબાદ: લાંબા સમય બાદ આજે એટલે કે 18 ડિસેમ્બરના રોજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી કેસમાં સર્વેક્ષણ રિપોર્ટ રજૂ કર્યો હતો. સર્વે રિપોર્ટ જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના એડિશનલ ડિરેક્ટરે વારાણસીના ડિસ્ટ્રિક્ટ જજને સીલબંધ પરબિડીયામાં રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટ 1500 થી વધુ પાનાનો છે. જેમાં 250 થી વધુ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે મુસ્લિમ પક્ષે માંગણી કરી છે કે સર્વે રિપોર્ટ કોઈપણ સંજોગોમાં સાર્વજનિક ન થવો જોઈએ. ઉપરાંત સર્વે રિપોર્ટ સંદર્ભે પણ અનેક માંગણીઓ કરવામાં આવી હતી.
કોર્ટે જણાવ્યું છે કે હવે આ અંગેનો ચુકાદો 21મી ડિસેમ્બરે લેવામાં આવશે. તેમજ સર્વે રિપોર્ટની નકલ 21 ડિસેમ્બરે જ પક્ષકારોને આપવામાં આવશે. નોંધનીય છે કે અગાઉ એએસઆઈએ બે-ત્રણ વખત રિપોર્ટ રજૂ કરવા કોર્ટ પાસે વધુ સમય માંગ્યો હતો.
નોંધનીય છે કે એએસઆઈને ત્રણ ઓગસ્ટ સુધીમાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ મુસ્લિમ પક્ષ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જેના કારણે 24 જુલાઈથી શરૂ થયેલ એએસઆઈના સર્વેનું કામ બંધ થઈ ગયું હતું. સુપ્રીમ કોર્ટે આ મામલાને પાછો હાઈ કોર્ટમાં મોકલી દીધો. અલાહાબાદ હાઈ કોર્ટે ત્રણ ઓગસ્ટના રોજ જારી કરેલા તેના આદેશમાં વજુખાના વિસ્તાર સિવાયની જગ્યાના સર્વેનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા સીલ કરવામાં આવ્યો હતો.
અલાહાબાદ હાઈ કોર્ટના આદેશ બાદ ચાર ઓગસ્ટથી જ્ઞાનવાપી સંકુલના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જ્ઞાનવાપી સંકુલમાં વૈજ્ઞાનિક તપાસ અને સર્વેક્ષણ કરવા પુરાતત્વવિદો, રસાયણશાસ્ત્રીઓ, ભાષા નિષ્ણાતો, સર્વેયર અને ફોટોગ્રાફરો સહિત ટેકનિકલ નિષ્ણાતોની ટીમ રોકાયેલી હતી. અત્યાધુનિક મશીનોનો ઉપયોગ કરીને પુરાવાની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા ન્યાયાધીશે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો છે.