ફેક ન્યૂઝ અને ડિજિટલ મીડિયા અંગે આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહી મહત્ત્વની વાત…
નવી દિલ્હી: કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં ન્યૂઝ મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મમાં થઈ રહેલા નોંધપાત્ર ફેરફારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઓનલાઈન પ્લેટફોર્મ પર પોસ્ટને પણ તપાસવામાં આવતી નથી જેને કારણે તમામ પ્લેટફોર્મ પર ખોટી અને ભ્રામક માહિતી ફેલાતી હોવાનું જણાવ્યું હતું.
આ પણ વાંચો : jiohotstar.com ડોમેનની સસ્પેન્સ ગેમનો આવ્યો અંત, હવે મુકેશ અંબાણીને…
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી (આઈટી) અશ્વિની વૈષ્ણવે મીડિયા સામેના ચાર મોટા પડકારો વિશે વાત કરી. તેમણે ‘બિગ ટેક’થી વધુ જવાબદારી અને નિષ્પક્ષતા માટે અપીલ કરી હતી. ‘Big Tech’, જેને ‘Tech Giants’ અથવા ‘Tech Titans’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાંય વળી વિશ્વની સૌથી મોટી Alphabet, Amazon, Apple, Meta અને Microsoft જેવી IT કંપનીઓનો સમાવેશ થાય છે.
આ ચાર બાબત મુખ્ય ચિંતાનાં વિષય
રાષ્ટ્રીય પ્રેસ દિવસ નિમિત્તે દિલ્હીમાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા, કેન્દ્રીય મંત્રીએ ફેક ન્યૂઝ, એલ્ગોરિધમિક બાયસ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને યોગ્ય વળતરને મુખ્ય ચિંતાનાં વિષય તરીકે ગણ્યા હતા.
યોગ્ય વળતર આપવાની જરૂરિયાત
અશ્વિની વૈષ્ણવે પરંપરાગત માધ્યમો દ્વારા સામનો કરવામાં આવતા નાણાકીય સંઘર્ષો પર પણ પ્રકાશ પાડ્યો હતો. હાલ સમાચારનો પ્રવાહ વધુને વધુ ડિજિટલ પ્લેટફોર્મ્સ તરફ વળ્યો છે. તેમણે નોંધ્યું હતું કે ગુણવત્તાયુક્ત સામગ્રી બનાવવા માટે પત્રકારો, તાલીમ અને સંપાદકીય પ્રક્રિયાઓમાં નોંધપાત્ર રોકાણની જરૂર છે, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મનો વારંવાર અયોગ્ય ફાયદો થાય છે. તેમણે કન્ટેન્ટ ડેવલપમેન્ટમાં તેમના પ્રયાસો માટે પરંપરાગત મીડિયાને યોગ્ય વળતર આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આ પણ વાંચો : વિદેશી હૂંડિયામણની અનામતમાં વધુ ૬.૪૭૭ અબજ ડૉલરનો ઘટાડો
અશ્વિની વૈષ્ણવે પણ ‘સેફ હાર્બર’ જોગવાઈ પર ફરીથી વિચાર કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો, જે મેટા, એક્સ, ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને યુઝર્સ જનરેટેડ કન્ટેન્ટની જવાબદારીથી રક્ષણ આપે છે. ડિજિટલ મીડિયાની વ્યાપક પહોંચ અને પ્રભાવને જોતાં 1990ના દાયકામાં કરવામાં આવેલી જોગવાઈ હવે યોગ્ય રહેશે નહીં, એવો તેમણે દાવો કર્યો હતો.