નેશનલ

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા નેતાઓને અશોક ગેહલોતની ટકોર, કહ્યું ‘ગાંધી પરિવાર પાસેથી પ્રેરણા લો’

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને રાજકીય પક્ષોએ ચૂંટણી મેદાનમાં ઉતરતા માટે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેની સાથે જ નેતાઓમાં પણ પલટાનો પણ પ્રારંભ થઈ ગયો છે. કોંગ્રેસના ઘણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે જ્યારે ભાજપના ઘણા નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આ ઘટનાક્રમ ચાલી રહ્યો છે ત્યારે રવિવારે રાજસ્થાન કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ અને પૂર્વ મંત્રીઓ ભાજપમાં જોડાયા છે.

પક્ષપલટુંઓને અશોક ગેહલોતની ટકોર

કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નેતાઓને કોંગ્રેસે તૈયાર કર્યા હતા અને હવે આ લોકો મુશ્કેલ સમયમાં પાર્ટી છોડી રહ્યા છે. અશોક ગેહલોતે કહ્યું કે, કોંગ્રેસ છોડી રહેલા નેતાઓને કોંગ્રેસે ઓળખ આપી, કેન્દ્રીય મંત્રી બનાવ્યા, રાજ્યમાં મંત્રી બનાવ્યા, પાર્ટીમાં મોટા હોદ્દા પર બેસાડવામાં આવ્યા, પરંતુ પાર્ટીના મુશ્કેલ સમયમાં તેઓ પાર્ટી છોડી રહ્યા છે અને પાર્ટી છોડીને ભાગી રહ્યા છે.”

ગાંધી પરિવાર પાસેથી પ્રેરણા લો

રાજસ્થાનના પૂર્વ સીએમએ કહ્યું કે ઘણા લોકો કહી રહ્યા છે કે તેઓ કેન્દ્રીય એજન્સીઓના દબાણ હેઠળ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આ સમય કોઈ પણ દબાણ સામે ઝુકવાનો નથી પરંતુ લોકશાહી બચાવવા અને દેશના ભવિષ્ય માટે લડવાનો છે. આપણે ગાંધી પરિવાર પાસેથી પ્રેરણા લેવી જોઈએ, જેમાં રાહુલ ગાંધી અને તેમના સમગ્ર પરિવારને ED દ્વારા પૂછપરછના બહાને ઘણા દિવસો સુધી હેરાન કરવામાં આવ્યા હતા, તેમનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવયું હતું, તેમનું ઘર પણ ખાલી કરાવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ દરેક દબાણનો સામનો મજબુતીથી કરી રહ્યા છે.

દરેક સંસ્થાન પર દબાણ

રાહુલ ગાંધી દેશભરમાં ફરીને ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા અન્યાય, મોંઘવારી, નફરત અને બેરોજગારી સામે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. રાજકારણમાં મુકાબલો આ રીતે હિંમતભેર લડીને કરવામાં આવે છે. આજે દેશની દરેક સંસ્થાન પર દબાણ છે અને દરેક વ્યક્તિ તણાવનો માહોલ અનુભવી રહ્યો છે. આ તણાવ અને દબાણનો સામનો કરવો પડશે જે માત્ર કોંગ્રેસ પાર્ટી જ કરી શકે છે. માત્ર કોંગ્રેસ જ આ દેશની લોકશાહીને મજબૂત અને સુરક્ષિત રાખી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button