અયોધ્યા મુદ્દે ઓવૈસીએ કર્યું વિવાદાસ્પદ નિવેદન, ભાજપે આપી પ્રતિક્રિયા
અયોધ્યાઃ અયોધ્યા શહેરને શણગારવામાં આવી રહ્યું છે. રામ મંદિરના અભિષેક કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિર નિર્માણનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરીએ થવાનું છે. રામ લાલાના અભિષેક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય યજમાન બનાવવામાં આવ્યા છે. દરમિયાન, રામ મંદિર નિર્માણને લઈને ફરી એક ભડકાઉ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આવું ભડકાઉ નિવેદન AIMIM ચીફ મોહમ્મદ અસદુદ્દીન ઓવૈસીએ કર્યું છે.
ઓવૈસીએ. રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયોમાં ઓવૈસી તેમના સમુદાયના યુવાનોને અપીલ કરી રહ્યા છે કે તેઓ તેમના સમુદાયના સમર્થન અને તાકાતને જાળવી રાખે અને તેમની મસ્જિદોને આબાદ રાખે, અન્યથા તેમની પાસેથી તેમની તમામ મસ્જિદો છીનવાઇ જશે. ઓવૈસીના ઉશ્કેરણીજનક નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે તમે બધા જોઈ રહ્યા છો કે અમારી મસ્જિદ અમારી પાસેથી છીનવાઈ ગઈ છે. તમે બધા જોઈ શકો છો કે આજે ત્યાં શું થઈ રહ્યું છે. આ બધું જોઈને તમારું દિલ દુખતું નથી? જ્યાં આપણે 500 વર્ષ સુધી કુરાન-એ-કરીમનો પાઠ કર્યો હતો તે જગ્યા આજે આપણી પાસેથી છીનવાઈ ગઈ છે. શું તમે બધા જોઈ શકતા નથી કે ત્રણ-ચાર વધુ મસ્જિદોને લઈને પણ આવું જ ષડયંત્ર ચાલી રહ્યું છે? આમાં દિલ્હીની ગોલ્ડન મસ્જિદ પણ સામેલ છે. તેઓ તમારી શક્તિને નષ્ટ કરવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે વર્ષોની મહેનત પછી આજે આપણે જે સ્થાન હાંસલ કર્યું છે તેનો નાશ થવો જોઈએ. યુવાનોએ આ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે.
ભાજપના નેતા અમિત માલવિયાએ આ નિવેદનને લઈને અસદુદ્દીન ઓવૈસી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે હૈદરાબાદના સાંસદ તેઓ જે શ્રેષ્ઠ રીતે કરી શકે છએ તે કરી રહ્યા છે. તેઓ ભડકાઉ અને કોમી ભાષણ કરી રહ્યા છે. જ્યારે હૈદરાબાદમાં બે મસ્જિદો તોડી પાડવામાં આવી તેના વિશે તેઓ કંઇ બોલતા નથી. માલવિયાએ લખ્યું હતું કે, “2020માં, સચિવાલય બનાવવા માટે હૈદરાબાદમાં 2 મસ્જિદો (મસ્જિદ-એ-મોહમ્મદી અને મસ્જિદ-એ-હાશ્મી) તોડી પાડવામાં આવી હતી. ઓવૈસી આ શહેરમાંથી લોકસભાના સભ્ય છે અને તેમણે આ અંગે કશું કહ્યું નથી. આખરે શું ત્યારે તમને મસ્જિદો યાદ નહીં આવી?
નોંધનીય છે કે 2019માં અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ભવ્ય રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયો હતો. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ કેન્દ્રએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અંગેના તમામ નિર્ણયો લેવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની સ્થાપના કરી હતી. અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટ, 2020 ના રોજ કર્યો હતો. અયોધ્યામાં રામ મંદિરમાં અભિષેક વિધિ 16 જાન્યુઆરીથી શરૂ થશે અને સાત દિવસ સુધી ચાલશે. અંતિમ દિવસે, 22 જાન્યુઆરીએ, સવારની પૂજા પછી રંદિરના ભવ્ય ઉદ્ઘાટનનો કાર્યક્રમ શરૂ થશે. સમગ્ર દેશમાં આ પ્રસંગને ભવ્ય રીતે ઉજવવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન દેશના તમામ મોટા મંદિરોમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવશે. દેશના તમામ લોકોને આ કાર્ય સાથે જોડવાની તૈયારીઓ કરવામાં આવી છે.