
મુંબઈ: તાજેતરમાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનો એક વીડિયો વાયરલ (Vinod Kambli Video)થયો હતો, જેમાં તેની તબિયત નાજૂક હોવાનું જણાઈ રહ્યું હતું. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે 52 વર્ષીય વિનોદ કાંબલીને ચાલવામાં તકલીફ પડી રહી છે, લોકો તેને ટેકો આપીને ચાલવામાં મદદ કરે છે. કાંબલીની તબિયત સતત બગડી રહી છે. એવામાં લોકોએ કાંબલીના મિત્ર અને ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર(Sachin Tendulkar)ને મદદ માટે વિનંતી કરી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા એક વીડિયોમાં, જોવા મળે છે કે વિનોદ કાંબલી બાઈક ચાલુ નથી કરી શકતો અને લથડીયા ખાય છે, આજુ બાજુ ઉભેલા લોકો તેની મદદ માટે દોડી આવે છે અને તેને ટેકો આપે છે. આ વિડીયો ક્યારનો છે એ અંગે પુષ્ટિ કરી શકાઈ નથી.
કાંબલી છેલ્લા એક દાયકામાં સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. 2013માં મુંબઈમાં ડ્રાઇવ કરતી વખતે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેના એક વર્ષ પહેલા, બે બ્લોકડ ધમનીઓ માટે એન્જીયોપ્લાસ્ટી કરાવી પડી હતી.
વાયરલ વીડિયો બાદ ચાહકોએ કાંબલીના મિત્ર સચિનને ટેગ કરીને તેની મદદ કરવા વિનંતી કરી છે.
સચિન અને કાંબલી બાળપણથી જ નજીકના મિત્રો છે. બંને મુંબઈના છે અને બંનેએ સ્વર્ગસ્થ રમાકાંત આચરેકરે માર્ગદર્શન હેઠળ ક્રિકેટની તાલીમ મેળવી હતી. બંનેએ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય રમ્યા હતા.
સચિને નવેમ્બર 1989માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, જ્યારે કાંબલીએ શારજાહ ખાતેની ODI મેચમાં 1991માં પ્રથમ વખત ભારત માટે ડેબ્યું કર્યું હતું.
કાંબલીએ 1991 થી 2000 ની વચ્ચે ભારત તરફથી 104 ODI મેચ રમી હતી હતા, જેમાં તેણે 14 ફિફ્ટી અને બે સદી સાથે 2477 રન બનાવ્યા હતા. તેણે 17 ટેસ્ટ મેચ પણ રમી, જેમાં ચાર સદી અને ત્રણ અડધી સદી સાથે 1084 રન બનાવ્યા હતા.
તેણે 1995માં છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, ઓક્ટોબર 2000 પછી તેનો ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. કાંબલીએ 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અને બાદમાં 2011માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.