નેશનલવેપાર

ડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 453નું અને ચાંદીમાં રૂ. 435નું બાઉન્સબૅક

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ગઈકાલે ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર ઈન્ડેક્સમાં 0.3 ટકા જેટલો ઘટાડો જોવા મળતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવ વધીને એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.

જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશ મળતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 451થી 453નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 435નો સુધારો આવ્યો હતો.

દરમિયાન ગત ઑક્ટોબર મહિનામાં સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની હૉંગકૉંગ મારફતે સોનાની ચોખ્ખી આયાતમાં આગલા સપ્ટેમ્બર મહિનાની સરખામણીમાં 4.6 ટકાનો અને ઑક્ટેબર, 2023ની સરખામણીમાં 43 ટકાનો ઘટાડો થયો હોવાનું એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. વધુમાં ગઈકાલે અમેરિકા અને ફ્રાન્સ ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ કરાવવામાં સફળ રહ્યાના અહેવાલ હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મઘ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની ઘટ્યા મથાળેથી નીકળેલી લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 435 વધીને રૂ. 88,898ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 451 વધીને રૂ. 75,838 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 453 વધીને ફરી રૂ. 76,000ની સપાટી પાર કરીને રૂ. 76,143ના મથાળે રહ્યા હતા.

ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ડૉલરની ઈન્ડેક્સની નરમાઈને ટેકે એક તબક્કે સોનાના ભાવ વધીને એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં આગલા બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 2646.48 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ આગલા બંધ સામે એક ટકો વધીને 2647 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે આૈંસદીઠ 30.65 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આગામી દિવસોમાં જ્યાં સુધી અમેરિકી ફેડરલ રિઝર્વનું નીતિવિષયક વલણ, ટેરિફ અને વેરાની સ્પષ્ટતાઓ નહીં થાય ત્યાં સુધી અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત અને ડૉલરની વધઘટ અનુસાર સોનામાં વધઘટ જોવા મળશે, એમ કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ એનાલિસ્ટ ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું. જોકે, ગઈકાલે રોકાણકારોએ અમેરિકી અર્થતંત્રમાં મજબૂત વલણ જળવાઈ રહ્યું હોવાના ગઈકાલના અહેવાલને પચાવી લીધા બાદ હવે તેઓની નજર આજે મોડી સાંજે જાહેર થનારા પર્સનલ ક્નઝ્મ્પશન એક્સ્પેન્ડિચરના, બેરોજગારીના અને જીડીપીના સુધારિત ડેટા પર સ્થિર થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Also Read – Stock Market : શેરબજારમાં બે દિવસની તેજી બાદ ઘટાડો, સેન્સેકસમાં 98 પોઇન્ટનું ગાબડું

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 63 ટકા શક્યતા આજે ટ્રેડરો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા હતા. જોકે, ટ્રમ્પ દ્વારા થઈ રહેલી નિયુક્તિઓ અને તેમની નીતિઓ ફેડરલ રિઝર્વ પર દબાણ લાવશે, ખાધ અને ટેરિફમાં વધારા જેવા પગલાંથી અમેરિકામાં નાણાકીય અસ્થિરતા સર્જે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતાં ભવિષ્યમાં સોનામાં સુધારાને ટેકો મળતો રહેશ, એમ ગોલ્ડમેન સાશના ગ્લોબલ કૉમૉડિટી રિસર્ચ વિભાગના કૉ હેડ દાન સ્ટ્રુવેને જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button