અંતરિક્ષમાં ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે! રાષ્ટ્રીય સ્પેસ દિવસ પર પીએમ મોદીનું દેશને સંબોધન

નવી દિલ્હીઃ ભારતે અંતરિક્ષ ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી છે. આજે રાષ્ટ્રીય સ્પેસ દિવસ (National Space Day) છે. આ વર્ષે રાષ્ટ્રીય સ્પેસ દિવસ ‘આર્યભટ્ટ સે ગગનયાન તક’ (Aryabhatta to Gaganyaan)ની થીમ સાથે ઉજવાઈ રહ્યો છે. દેશવાસીઓને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક મહત્વની જાહેરાત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, ભૂતકાળનો આત્મવિશ્વાસ પણ છે અને ભવિષ્યનો સંકલ્પ પણ છે. ભારતના દેશ માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો અને ગૌરવ લેવાનો છે.
રાષ્ટ્રીય સ્પેસ દિવસ પર પીએમ મોદીએ કર્યું દેશને સંબોધન
દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, આજે આપણે જોઈ રહ્યા છીએ કે આટલા ટૂંકા સમયમાં, રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ આપણા યુવાનોમાં ઉત્સાહ અને આકર્ષણનો પ્રસંગ બની ગયો છે. આ દેશ માટે ગર્વની વાત છે. હું અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો, વૈજ્ઞાનિકો, તમામ યુવાનોને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ પર અભિનંદન આપું છું. તાજેતરમાં ભારતે ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિકશાસ્ત્ર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિયાડ (International Olympiad on Astronomy and Astrophysics )નું પણ આયોજન કર્યું છે. વિશ્વના 60થી વધુ દેશોના લગભગ 300 યુવાનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભારતના યુવાનોએ પણ મેડલ જીત્યા, આ ઓલિમ્પિયાડ અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતના ઉભરતા નેતૃત્વનું પ્રતીક છે.
ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ દેશ બન્યોઃ પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘અંતરિક્ષ ક્ષેત્રમાં એક પછી એક નવા સીમાચિહ્નો બનાવવા એ ભારત અને તેના વૈજ્ઞાનિકોનો સ્વભાવ બની ગયો છે. બે વર્ષ પહેલાં, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઇતિહાસ રચનાર પ્રથમ દેશ બન્યો. આપણે અંતરિક્ષમાં ડોકિંગ-અનડોકિંગ કરવાની ક્ષમતા ધરાવતો વિશ્વનો ચોથો દેશ પણ બન્યો છીએ. માત્ર ત્રણ દિવસ પહેલાં હું ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને મળ્યો હતો. તેમણે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ મથક પર ત્રિરંગો લહેરાવીને દરેક ભારતીયને ગર્વ અપાવ્યો છે. તે ક્ષણ જ્યારે તેઓ મને ત્રિરંગો બતાવી રહ્યા હતા તે અનુભૂતિ શબ્દોની બહાર છે’.
ગ્રુપ કેપ્ટન શુભાંશુ અંગે પણ પીએમ મોદીએ ખાસ વાત કરી
વધુમાં કહ્યું કે, ‘ગ્રુપ કેપ્ટન શુભાંશુ સાથેની મારી ચર્ચામાં, મેં નવા ભારતના યુવાનોની અપાર હિંમત અને અનંત સપના જોયા છે. આ સપનાઓને આગળ વધારવા માટે અમે ભારતનો ‘અંતરિક્ષ યાત્રી પૂલ’ પણ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. આજે, અંતરિક્ષ દિવસ પર હું મારા યુવા મિત્રોને ભારતના સપનાઓને પાંખો આપવા માટે આ અંતરિક્ષયાત્રી પૂલમાં જોડાવા આમંત્રણ આપું છું.
ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશેઃ પીએમ મોદી
ભારતે હજી સ્પેસમાં ખૂબ જ કામ કરવાનું બાકી છે. તે બાબતે ચર્ચા કરતા પીએમ મોદીએ કહ્યું કે, ‘આજે ભારત સેમી-ક્રાયોજેનિક એન્જિન અને ઇલેક્ટ્રિક પ્રોપલ્શન જેવી પ્રગતિશીલ તકનીકોમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. ટૂંક સમયમાં આપ સૌ વૈજ્ઞાનિકોની મહેનતથી, ભારત ગગનયાન પણ ઉડાવશે અને આવનારા સમયમાં, ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે. અત્યારે આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છીએ. હવે આપણે અંતરિક્ષના તે ભાગોમાં તપાસ કરવાની છે, જ્યાં માનવતાના ભવિષ્ય માટે ઘણા મહત્વપૂર્ણ રહસ્યો છુપાયેલા છે’.