
નવી દિલ્હીઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે બધા પક્ષોએ તૈયારી કરી લીધી છે. જ્યાં એક તરફ ભાજપ પોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે તો બીજી તરફ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા પણ પોતાના પ્રયાસોમાં વ્યસ્ત છે. આ દરમિયાન બુધવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના અધ્યક્ષ શરદ પવારનું મોટું નિવેદન સામે આવ્યું છે. પવારે બુધવારે કહ્યું કે તાજેતરની ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં લોકસભાની 7માંથી 3 બેઠકો કોંગ્રેસને આપવા માટે તૈયાર છે.
એક કાર્યક્રમમાં બોલતા શરદ પવારે કહ્યું હતું કે, ‘મેં એકવાર અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીની બેઠકો વિશે વાત કરી હતી. દિલ્હીમાં કોંગ્રેસ પાસે આજે એક પણ સીટ નથી. કેજરીવાલે મને કોંગ્રેસ સાથે ચર્ચા કરવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસને 3 બેઠકો આપીને પ્રશ્નો ઉકેલી શકાય છે.’ હાલમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો ધરાવે છે.
વિપક્ષી નેતાઓ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પાડવામાં આવેલા દરોડા વિશે બોલતા, શરદ પવારે દાવો કર્યો હતો કે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહી ભાજપ વિરુદ્ધ 2024ની લોકસભા ચૂંટણી લડવા માટે વિરોધ પક્ષોને એક કરશે. શરદ પવારે રાહુલ ગાંધીના પણ ખૂબ વખાણ કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે ત્રણ-ચાર વર્ષ પહેલા સુધી કોઈ તેમને ગંભીરતાથી લેતું નહોતું, પરંતુ જે રીતે તેઓ અત્યારે કામ કરી રહ્યા છે અને સમગ્ર ભારતમાં પ્રવાસ કરી રહ્યા છે, તે જોતા એમ લાગે છે તે આજે કે કાલે તેઓ દેશને નેતૃત્વ પ્રદાન કરી શકે છે.’ હિન્દી પટ્ટાના મુખ્ય રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પુનઃસજીવન થશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. ચર્ચા દરમિયાન શરદ પવારે કહ્યું હતું કે બીજેપી સાથે હાથ મિલાવવાનો સવાલ જ ઉઠતો નથી.