Arvind Kejriwal ફરી હાઇકોર્ટ પહોંચ્યા, CBIની ધરપકડને પડકારી
નવી દિલ્હી : દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઇ ( CBI)ની ધરપકડ અને 14 દિવસની ન્યાયિક કસ્ટડીના નિર્ણય સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈની અપીલ સ્વીકારીને કેજરીવાલને 12 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. કેજરીવાલ ઇડીએ કરેલી ધરપકડ બાદ તિહાડ જેલમાં બંધ હતા. તેમની સીબીઆઈ દ્વારા દારૂ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે તેને ત્રણ દિવસના સીબીઆઈ રિમાન્ડ પર મોકલી દીધા હતા.
કેજરીવાલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા
રિમાન્ડ પૂરા થયા બાદ સીબીઆઈએ ફરી કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી હતી. જેના પર કોર્ટે કેજરીવાલને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. આ દરમિયાન કોર્ટે કેજરીવાલના વકીલને કહ્યું હતું કે અમારી પાસે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જો તમે ઈચ્છો તો 2-3 દિવસ પછી જામીન માટે અરજી કરી શકો છો.
આવી સ્થિતિમાં કેજરીવાલે નીચલી કોર્ટના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. જ્યારે 26 જૂનના કોર્ટના આદેશને પણ પડકારવામાં આવ્યો છે જેમાં કોર્ટે કેજરીવાલની ધરપકડને કાયદેસર જાહેર કરી હતી જ્યારે સીબીઆઈને ત્રણ દિવસની કસ્ટડી સોંપી હતી.
હાઈકોર્ટે જામીન પર સ્ટે મુક્યો હતો
દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલના જામીન વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી EDની અરજી પર પોતાનો ચુકાદો આપતાં કેજરીવાલની ધરપકડ પર રોક લગાવી દીધી હતી. આ દરમિયાન કોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને ખોટો ગણાવ્યો અને તેમાં ઘણી ખામીઓ પણ દર્શાવી. આ પછી કેજરીવાલે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. દરમિયાન CBI એ કેજરીવાલની ધરપકડ કરી હતી. જેની બાદ તેમને ત્રણ દિવસની CBI કસ્ટડી બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
26 જૂને તિહાડ જેલમાંથી ધરપકડ કરવામાં આવી
કેજરીવાલની સીબીઆઈ દ્વારા 26 જૂને તિહાડ જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેઓ ED દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં ન્યાયિક કસ્ટડીમાં હતા. વિશેષ ન્યાયાધીશ સુનૈના શર્માએ જણાવ્યું હતું કે, કથિત ષડયંત્રમાં મોટી સંખ્યામાં લોકો સામેલ હતા જેઓ શરાબ નીતિની યોજના અને અમલીકરણમાં સામેલ હતા અને તે લોકો પણ સામેલ હતા જેઓ ગેરકાયદે રીતે મેળવેલી સંપત્તિના ટ્રાન્સફરમાં સામેલ હતા. હું માનું છું કે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા માટે પૂરતા કારણો છે.