
નવી દિલ્હી: ધરપકડની અટકળો વચ્ચે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. કેજરીવાલે કહ્યું હતું કે સીબીઆઈએ મને આઠ મહિના પહેલા ફોન કર્યો હતો, હું ગયો હતો અને તેમના તમામ સવાલોના જવાબ પણ આપ્યા હતા. પરંતુ હવે આ લોકો મને લોકસભાની ચૂંટણીના બે મહિના પહેલા ફોન કરી રહ્યા છે, ત્યારે ભાજપનો ઉદ્દેશ્ય કોઈ પૂછપરછ કરવાનો નથી, પરંતુ પૂછપરછ માટે મારી ધરપકડ કરવાનો છે, જેથી હું ચૂંટણીમાં પ્રચાર ન કરી શકું પરંતુ હું એમની જાળમાં ફસાઈશ નહિ.
સીએમ કેજરીવાલે કહ્યું હતું કે તમે છેલ્લા બે વર્ષમાં દારૂ કૌભાંડ શબ્દ ઘણી વખત સાંભળ્યો હશે. ભાજપની તમામ એજન્સીઓએ ક્યાંક દરોડા પાડ્યા છે, તો ક્યાંક ધરપકડ કરી છે, પરંતુ તેમને ક્યાંયથી એક પૈસો પણ મળ્યો નથી. જો ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય તો તે પૈસા ક્યાં ગયા? હવામાં ગાયબ થઈ ગયા કે પછી પાતાળમાં ગાયબ થઈ ગયા. હક્કીકત તો એ છે કે ભ્રષ્ટાચાર થયો જ નથી. જો ભ્રષ્ટાચાર હોત તો પૈસા કોઈ જગ્યાએથી તો મળ્યા હોતને, પણ ભાજપની એજન્સીઓને ક્યાંયથી પણ પૈસા મળ્યા નથી.
આ ઉપરાંત તેઓએ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓને જેલમાં રાખ્યા છે, કોઈની વિરુદ્ધ કોઈ પુરાવા નથી અને ખુલ્લેઆમ ગુંડાગીરી ચાલી રહી છે. હવે ભાજપ મારી ધરપકડ કરવા માંગે છે. મારી સૌથી મોટી તાકાત મારી પ્રામાણિકતા છે. તેઓ ખોટા આક્ષેપો કરીને અને નકલી સમન્સ મોકલીને મને બદનામ કરવા માગે છે. તેઓએ મને જે પણ સમન્સ મોકલ્યા તેના વિશે મારા વકીલોએ મને કહ્યું કે આ ગેરકાયદેસર છે. મે તેમને પત્ર લખીને વિગતવાર જણાવ્યું કે આ ગેરકાયદેસર કેમ છે. પરંતુ તેમણે મારી એક પણ વાતનો જવાબ ન આપ્યો, એટલે કે મેં જે કહ્યું તેનો તેમની પાસે કોઈ જવાબ નથી. મતલબ કે સમન્સ ગેરકાયદેસર છે.
ભાજપ પર આરોપ લગાવતા કેજરીવાલે કહ્યું, “શું મારે ગેરકાયદેસર સમન્સનું પાલન કરવું જોઈએ? જો કાયદેસર રીતે યોગ્ય સમન્સ આવશે, તો હું સંપૂર્ણ સહયોગ કરીશ. ભાજપનો ઉદ્દેશ્ય તપાસ કરવાનો નથી. મને લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા રોકવાનો છે. મને પૂછપરછના બહાને બોલાવીને મારી ધરપકડ કરવાનો છે, જેથી હું ચૂંટણી પ્રચાર ન કરી શકું.
ભાજપમાં ઘણા ભ્રષ્ટાચારીઓ છે પરંતુ તેમનો વાળ પણ વાંકો થતો નથી. પરંતુ વિપક્ષના નેતાઓને તોડીને તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈનો ઉપયોગ કરી રહી છે. અને જે કોઈ તેમની પાર્ટીમાં જોડાય છે, તેના તમામ કેસ સ્વીપ થઈ જાય છે. તેમજ જે પણ તેમની પાર્ટીમાં જોડાતા નથી, તેઓ જેલમાં જાય છે. અને એટલે જ આજે મનીષ સિસોદિયા, સંજય સિંહ અને વિજય નાયર જેલમાં છે કારણ કે તેઓએ ભ્રષ્ટાચાર કર્યો નથી તેઓએ ભાજપમાં જોડાવાની ના પાડી હતી.