નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ ડ્યુટી પોલિસી(Delhi excise policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ ગઈ કાલે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીન રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(CM Arvind Kejriwal)ની ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ બાદ AAP આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. બીજી તરફ ED આજે કેજરીવાલને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(PMLA) કોર્ટ સમક્ષ રજૂ કરશે.
EDએ કરેલી ધરપકડ સામે અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જો કે ગઈકાલે સુપ્રીમ કોર્ટે અરજી અંગે કોઈ વિશેષ બેંચની રચના કરી ન હતી. SCમાં આજે સુનાવણી થાય એવી શક્યતા છે.
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હીનું રાજકારણ ગરમાયું છે. કેજરીવાલની ધરપકડ બાદ AAP આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. AAPના કાર્યકર્તાઓ દિલ્હીમાં ITO સ્થિત બીજેપી ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરશે. આજે સવારે 10 વાગે કાર્યકર્તાઓ AAP મુખ્યાલય પર એકઠા થશે, ત્યાંથી ભાજપ હેડ ક્વાટર તરફ માર્ચ કરશે, આઈટીઓથી દીનદયાલ ઉપાધ્યાય માર્ગ સુધીના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. .
પદ પર રહેતા ધરપકડ થઇ હોઈ એવા કેજરીવાલ દેશના પહેલા મુખ્યપ્રધાન છે. જો કે, આ પહેલા, ઝારખંડના સીએમ હેમંત સોરેન પદ પર હતા ત્યારે ED દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેમને રાજભવન લઈ જવામાં આવ્યા હતા અને રાજ્યપાલને રાજીનામું સોંપવાની તક આપવામાં આવી હતી. કેજરીવાલે દાવો કર્યો છે કે ધરપકડ બાદ પણ તેઓ સીએમ પદ છોડશે નહીં.
#WATCH | Delhi CM and AAP national convenor Arvind Kejriwal brought to the ED Headquarters.
— ANI (@ANI) March 21, 2024
Enforcement Directorate team arrested him in the Excice Policy Case. pic.twitter.com/iMSzw6QmgF
દિલ્હીના શિક્ષણ પ્રધાન આતિશીએ કહ્યું કે, કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે. કેજરીવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન છે અને રહેશે. એવો કોઈ કાયદો નથી જે તેમને જેલમાંથી સરકાર ચલાવતા રોકી શકે.
સૂત્રોના જણાવ્યા મુજબ કે ગઈકાલે રાહુલ ગાંધીએ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના પરિવાર સાથે વાત કરી હતી અને તેમને કોંગ્રેસ પાર્ટીના સમર્થનની ખાતરી આપી હતી. તેઓ આજે અરવિંદ કેજરીવાલ અથવા તેમના પરિવારને મળવાનો પ્રયાસ કરશે અને કાયદાકીય મદદ પૂરી પાડશે.