આપનો સ્થાપના દિવસઃ આ કારણે ભાવુક થયા પક્ષના સ્થાપક અરવિંદ કેજરીવાલ
આમ આદમી પક્ષ (આપ), તેની કાર્યશૈલી કે વિચારધારા કોઈને ગમે કે ન ગમે તે વાત અલગ છે, પરંતુ આ પક્ષ તાજો તાજો દેશવાસીઓ સામે ઊભો થયો છે. ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં અન્ના હજારે સાથે લડત આપી રહેલા આઈઆઈટીના વિદ્યાર્થી અને કરવેરા વિભાગમાં મોટા પદ પર બેસી ચૂકેલા અરવિંદ કેજરીવાલે આ પક્ષની સ્થાપના કરી હતી. તે બાદ આ પક્ષે ઘણા ઉતાર ચઢાવ જોયા છે, પરંતુ બે મોટા પક્ષ કૉંગ્રેસ અને ભાજપને ટક્કર આપી દિલ્હી અને પંજાબમાં પોતાની સત્તા બનાવી છે તે વાતનો કોઈ ઈનકાર કરી શકે તેમ નથી. આજે પક્ષએ 11 વર્ષ પૂરા કરી બારમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
જોકે આજે સંબોધન આપતા સમયે સ્થાપક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ બાવુક થયા હતા અને તેનું કારણ આપતા તેમણે કહ્યું કે આ આમ આદમી પાર્ટીનો પહેલો સ્થાપના દિવસ છે, જ્યારે મનીષ સિસોદિયા, સંજય સિંહ હાજર નથી. તેઓ ખોટા કેસમાં જેલમાં છે, તેઓ બંધ છે. તેમણે કેન્દ્રમાં રહેલી સરકારની ઝાટકણી કાઢતા એમ પણ કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં AAP વિરૂદ્ધ 250 કેસ નોંધાયા, પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો નથી.
આમ આદમી પાર્ટીના સ્થાપના દિવસ પર ડિજિટલ માધ્યમથી પ્રેસને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું, મને યાદ છે કે આંદોલન સમયે લોકો રામલીલા મેદાનમાં અમને પૂછતા હતા કે તમે લોકો ભ્રષ્ટ નહીં થાવ તેની શું ગેરંટી છે? આજે હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા દરેકને કહેવા માંગુ છું કે ભારતના ઈતિહાસમાં છેલ્લા 11 વર્ષમાં આમ આદમી પાર્ટીને જેટલું નિશાન બનાવવામાં આવ્યું છે તેટલું અન્ય કોઈ પાર્ટીને કરવામાં આવ્યું નથી.
કેજરીવાલે કહ્યું, છેલ્લા 11 વર્ષમાં, અમારી વિરુદ્ધ 250 થી વધુ કેસ દાખલ કર્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, સીબીઆઈ, આઈટી અને દિલ્હી પોલીસ… દેશની કોઈ એજન્સી બાકી રહી નથી. પરંતુ આજ સુધી તેમને એક પણ પુરાવો મળ્યો નથી, એક પણ પૈસાની ઉચાપત કરવામાં આવી નથી. એક પૈસો પણ વસૂલવામાં આવ્યો નથી. આ અમારી પ્રામાણિકતાનું સૌથી મોટું પ્રમાણપત્ર છે.
જોકે તેમણે પોતાના સાથીઓને યાદ કરતા કહ્યું કે આજે મારું હૃદય થોડું ભારે છે… આ પહેલો સ્થાપના દિવસ છે, જ્યારે મનીષ સિસોદિયા જી અમારી સાથે નથી, સતેન્દ્ર જૈન નથી, સંજય સિંહ નથી, વિજય નાયર નથી. આ બધાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.પરંતુ આમ આદમી પાર્ટીને નમવાનું આવડતું જ નથી. આપણા બધા માટે ગૌરવની વાત છે કે આજ સુધી આપણો એક પણ ધારાસભ્ય કે નેતા વેચાયો નથી કે તૂટ્યો નથી. અમારા નેતાઓ પર ગર્વ છે…અમે તેમના સંઘર્ષની પ્રશંસા કરીએ છીએ. અમે ભગતસિંહને સલામ કરીએ છીએ.અમે સત્યના માર્ગ પર ચાલનારા ભગત સિંહના શિષ્ય છીએ.
આજે ભારતનો બંધારણ પણ દિવસ છે ત્યારે કેજરીવાલે જણાવ્યું હતું કે આ દિવસે બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં દેશનું બંધારણ અપનાવવામાં આવ્યું હતું. આજના દિવસે આપણા પક્ષની સ્થાપના થઈ છે તે માત્ર સંયોગ ન કહેવાય. બાબા સાહેબ અને દેશની આઝાદીની લડાઈમાં બલિદાન આપનારાઓનું એક જ સપનું હતું કે એક દિવસ ભારતને વિશ્વનો નંબર વન દેશ બને. આ આમ આદમી પાર્ટીનું પણ સપનું છે.
આપણા વિરોધીઓ આપણને ગમે તેટલા અપશબ્દો બોલે, તેઓ પણ જાણે છે કે આમ આદમી પાર્ટીએ દેશની રાજનીતિ બદલી નાખી છે. આપણે આ વિચાર અને જુસ્સાને આગળ લઈ જવાનું છે. આગળનો રસ્તો ગમે તેટલો મુશ્કેલ હોય, અમે લડીશું અને જીતીશું. તેમણે સૌને આજના દિવસની શુભેચ્છા પાઠવી હતી.