શોકિંગઃ ભગવાન રામની ભૂમિકા નિભાવતા કલાકારને આવ્યો હાર્ટ એટેક, વીડિયો વાઈરલ

નવી દિલ્હીઃ દિલ્હીમાં શાહદરાના વિશ્વકર્મા નગરમાં તાજેતરમાં ચોંકાવનારો કિસ્સો બન્યો હતો, જ્યાં રામલીલા વખતે અચાનક કલાકારને હાર્ટ એટેક આવ્યો હતો. રામલીલા દરમિયાન ભગવાન રામની ભૂમિકા ભજવતી વખતે સ્ટેજ પર હાર્ટ અટેક આવતા 56 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી.
પોલીસે જણાવ્યું હતું કે મૃતકની ઓળખ સુનીલ કૌશિક તરીકે થઈ છે, જે વ્યવસાયે પ્રોપર્ટી ડીલર હતો. સુનીલના પરિવારના સભ્ય રાહુલ કૌશિકે પીટીઆઈને જણાવ્યું કે સુનીલ ‘જય શ્રી રામલીલા સમિતિ’ સાથે સંકળાયેલો હતો અને તેનો સભ્ય હતો.
રાહુલે કહ્યું હતું કે સુનીલ લાંબા સમયથી ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યો હતો અને તે ગાતો પણ હતો. તેણે કહ્યું હતું કે સુનીલ સીતાના સ્વયંવરનું દ્રશ્ય ભજવી રહ્યો હતો, જેમાં તેને ધનુષ તોડવાનું હતું પરંતુ તેને અચાનક છાતીમાં દુખાવો થયો અને સ્ટેજ પાછળ જતો રહ્યો હતો. ત્યાં હાજર તેની પત્ની અને પુત્ર તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો. રાહુલે જણાવ્યું કે એક કલાક પછી સુનીલને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું કે સુનીલનું મૃત્યુ કોવિડ-19 રસી સાથે સંબંધિત હોઈ શકે છે.
ભારદ્વાજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે એ ચર્ચા સામાન્ય છે કે કોરોનાના બચાવ માટે લગાવવામાં આવેલી રસી બાદ ભારતમાં આ પ્રકારના કેસ સતત વધી રહ્યા છે જેમાં યુવાનોને હાર્ટ અટેક આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં જોવા મળી રહ્યું છે કે સુનીલ અસ્વસ્થતા અનુભવ્યા બાદ સ્ટેજની પાછળ ચાલ્યો ગયો હતો.