નેશનલ

કલમ ૩૭૦ રદ, રદ, રદ: સુપ્રીમ

જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાનો અને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી યોજવાનો આદેશ

નવી દિલ્હી: બંધારણની કલમ ૩૭૦ રદ કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય હોવાનું જણાવતો ચુકાદો તેમ જ જમ્મુ-કાશ્મીરને વહેલામાં વહેલી તકે ફરી રાજ્યનો દરજ્જો આપવાનો અને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજવાનો આદેશ સુપ્રીમ કોર્ટે સોમવારે આપ્યો હતો.

દાયકા લાંબી ચર્ચાવિચારણાનો અંત આણતાં મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી ખંડપીઠે વર્ષ ૧૯૪૭માં જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી લાગુ કરવામાં આવેલી બંધારણની કલમને રદ કરવાના સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

બંધારણની કલમ ૩૭૦ રદ કરવાનો સરકારનો નિર્ણય યોગ્ય હોવાનો પાંચ ન્યાયાધીશની બનેલી ખંડપીઠે સર્વાનુમતીથી ચુકાદો આપતા કહ્યું હતું કે આ જોગવાઈ કામચલાઉ હતી અને રાજ્ય વિધાનસભાની ગેરહાજરીમાં બંધારણની કલમ ૩૭૦ (૩) અંતર્ગત રાષ્ટ્રપતિને આ કમલ રદ કરવાને લગતું જાહેરનામું બહાર પાડવાનો અધિકાર હતો.

મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની પાંચ ન્યાયાધીશની બનેલી ખંડપીઠમાં ન્યાયાધીશ બી. આર. ગાવઈ, ન્યાયાધીશ સૂર્યકાન્ત, ન્યાયાધીશ સંજય કિસન કૌલ અને ન્યાયાધીશ સંજીવ ખન્નાનો પણ સમાવેશ થતો હતો.

પાંચ ઑગસ્ટ ૨૦૧૯ના જમ્મુ-કાશ્મીરમાંથી લદાખને અલગથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના સરકારના નિર્ણયને પણ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો.

પાંચ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ સરકારે બંધારણની કલમ ૩૭૯ રદ કરી રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કર્યું હતું.

મુખ્ય ન્યાયાધીશ ડી. વાય ચંદ્રચૂડે સોલિસિટર જનરલ તુષાર મહેતાના એ નિવેદનને ધ્યાન પર લીધું હતું કે કેન્દ્રશાશિત પ્રદેશ લદાખને બાદ કરતા જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો પુન:સ્થાપિત કરી શકાશે.

રિઓર્ગેનાઈઝેશન ઍક્ટની કલમ ૧૪ અંતર્ગત જમ્મુ-કાશ્મીર વિધાનસભાની રચના કરી સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં ચૂંટણી યોજવાને લગતાં પગલાં લેવાનો ચૂંટણી પંચને અમે આદેશ આપીએ છીએ, એમ મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું. (એજન્સી)

આ કાનૂની નિર્ણય નથી પરંતુ આશાનું કિરણ છે: મોદી
નવી દિલ્હી: બંધારણની કલમ ૩૭૦ હવે ઇતિહાસ બની ગઇ છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખ્યો છે. પીએમ મોદીએ કલમ ૩૭૦ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે, કલમ ૩૭૦ હટાવવા પર સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય ઐતિહાસિક છે. આજના નિર્ણયમાં ૫ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ ભારતીય સંસદ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની બંધારણીયતાનું સમર્થન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય જમ્મુ અને કાશ્મીર, લદાખના આપણા ભાઈ-બહેનોની આશા, વિકાસ અને એકતાનો પડઘો છે. અદાલતે આપણી એકતાના મૂળના સારને મજબૂત બનાવ્યો છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘હું જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકોને ખાતરી કરવા માગું છું કે અમે તમારા સપના પૂરા કરવાના અમારા વચનનું પાલન કરીશું. જે લોકોને કલમ ૩૭૦ને કારણે ઘણું
સહન કરવાનો વારો આવ્યો છે, એવા લોકો અને સમાજના દરેક પછાત વર્ગ સુધી પ્રગતિ પહોંચે અને તેમને પણ વિકાસના ફળ ચાખવા મળે- અમે એ સુનિશ્ર્ચિત કરવા માટે સમર્પિત છીએ. સુપ્રીમ કોર્ટનો આજનો નિર્ણય માત્ર કાનૂની નિર્ણય નથી, પરંતુ તે આશાનું કિરણ છે. આ એક ઉજજવળ ભવિષ્યનું વચન છે અને મજબૂત અને અખંડ ભારત બનાવવાના અમારા સંયુક્ત પ્રયાસોનો પુરાવો છે.

ગૃહ પ્રધાન અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરતા ટ્વિટ કર્યું હતું કે, ‘હું કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું.’ પાંચ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ પીએમ મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય કર્યો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે. એક સમયે હિંસા દ્વારા તબાહ થયેલા જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને ખુશહાલી આવી છે. લોકોને પ્રગતિ અને વિકાસ જોવા મળી રહ્યો છે. પર્યટનથી સમૃદ્ધિ અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોની આવકમાં વધારો થયો છે. આજે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સાબિત થઈ ગયું છે કે કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય સંપૂર્ણપણે બંધારણીય હતો.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ૨૩ અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓની સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે સોમવારે એટલે કે ૧૧ ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેન્ચે કલમ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને બંધારણીય રીતે માન્ય ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેનું કોઇ આંતરિક સાર્વભૌમત્વ નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો