
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જીએસટી એક્ટ અને કસ્ટમ એક્ટ અંતર્ગત યોગ્ય કારણ વગર કરવામાં આવતી ધરપકડને અયોગ્ય ગણાવી હતી. કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં કહ્યું કે, કાયદો નાગરિકોને ધમકાવવાની મંજૂરી આપતો નથી. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું, જો કોઈ વ્યક્તિને તેની ધરપકડનો અંદાજ હોય તો આગોતરી જામીન અરજી દાખલ કરી શકે છે. આ માટે એફઆઈઆર નોંધાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી.
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ બેલા ત્રિવેદી અને ન્યાયાધીશ એમએમ સુંદરેશની બેન્ચે 200થી વધુ અરજીનો નિકાલ કર્યો હતા. આ અરંજીઓમાં જીએસટી એક્ટ અને કસ્ટમ્સ એક્ટ હેઠળ ધરપકડની જોગવાઈઓના દુરુપયોગનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું, સીઆરપીસી અને બીએનએસએસ હેઠળ ધકપકડના કેસમાં લોકોને આપવામાં આવેલી સત્તા જીએસટી અને કસ્ટમ્સના કેસમાં પણ લાગુ પડે છે.
સુપ્રીમ કોર્ટે આ નિર્ણયમાં પીએમએલએ કાયદા અંગે અરવિંદ કેજરીવાલ કેસમાં આપવામાં આવેલા આદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. ચુકાદામાં પીએમએલએની કલમ 19 (1) નું અર્થઘટન કરતી વખતે, કહ્યું હતું કે ધરપકડ પહેલાં શા માટે ધરપકડ કરવી જરૂરી છે તે નોંધવું જોઈએ. કોર્ટે હવે કસ્ટમ્સ એક્ટની કલમ 104 અને જીએસટી એક્ટની કલમ 132ને PMLA ની કલમ 19 (1) જેવી જ ગણાવી છે. એટલે કે તેમાં કોઈ કારણ વગર ધરપકડ થઈ શકતી નથી.
આ પણ વાંચો…વક્ફ બિલને કેબિનેટે આપી મંજૂરી, બજેટ સત્રના બીજા તબક્કામાં આવી શકે છે બિલ…
કોર્ટે સ્પષ્ટ કર્યું કે જીએસટી અથવા કસ્ટમ્સના અધિકારીઓ પોલીસ અધિકારીઓ નથી. તેઓ પોલીસ અધિકારીઓની જેમ સત્તાનો ઉપયોગ કરી શકતા નથી. કોર્ટે એમ પણ કહ્યું છે કે તપાસ અને જપ્તીની કાર્યવાહી દરમિયાન જીએસટી અથવા કસ્ટમ્સ અધિકારીઓ કોઈને પણ પોતાની વિરુદ્ધ નિવેદન આપવા માટે ધમકી આપી શકતા નથી. જો કોઈને આ રીતે દબાણ કરવામાં આવે તો તે અદાલતનો સંપર્ક કરી શકે છે.