અયોધ્યામાંથી ખાલિસ્તાનીઓ સાથે સંકળાયેલા ત્રણની ધરપકડ
અયોધ્યા: ઉત્તર પ્રદેશ એટીએસએ અયોધ્યામાંથી ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સાથે સંબંધ ધરાવતા ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે. ત્રણેય રાજસ્થાનના રહેવાસી હોવાનું જણાવાઇ રહ્યું છે અને પકડાયેલા આરોપીઓના નામ શંકરલાલ, અજીત કુમાર, પ્રદીપ પુનિયા છે. ત્રણેય તેની કારમાં શ્રીરામનો ધ્વજ લઇને અયોધ્યાની રેકી કરી રહ્યા હતા. આરોપી શંકરલાલે પૂછપરછમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
શંકરલાલ કેનેડા સ્થિત ખાલિસ્તાની સમર્થક હરમિંદરના સંપર્કમાં હતો. હરમિંદરે શંકરને કહ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહે અયોધ્યાની રેકી કરવાનું કહ્યું છે. સાથે અયોધ્યાનો નક્શો મોકલવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. હરમિંદરના કહેવા પર ત્રણેય અયોધ્યા પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર શંકરલાલ રાજસ્થાનનો કુખ્યાત ગેંગસ્ટર છે અને તેના પર અનેક કેસ નોંધાયેલા છે. તે કેનેડામાં બેઠેલા કેટલાક ગેંગસ્ટરના સંપર્કમાં હતો જે ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સંકળાયેલા છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓને અંધારામાં રાખવા આરોપી સ્કોર્પિયોમાં શ્રીરામનો ઝંડો લઇને અયોધ્યાની રેકી કરી રહ્યા હતા.
અયોધ્યામાંથી આરોપીઓ ઝડપાયાના થોડા સમય બાદ જ શીખ ફોર જસ્ટિસના મુખ્ય આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક ઓડિયો જાહેર કરીને આરોપીઓને સમર્થન આપ્યું હતું. આ સાથે યુપી એટીએસએ પણ શીખ ફોર જસ્ટિસ સાથેના કનેક્શનની તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ રેકી બાદ ત્રણેય અયોધ્યામાં રોકાવાના હતા અને પછી આદેશ મળતાની સાથે કોઇ મોટી ઘટનાને અંજામ આપવાના હતા. તેઓ પાસેથી હરિયાણાના નંબરની સ્કોર્પિયો જપ્ત કરવામાં આવી હતી.