૨૨ વર્ષથી ફરાર સિમીના આતંકવાદીની ધરપકડ

નવી દિલ્હીઃ સિમી (સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા-SIMI) કાર્યકર્તા હનીફ શેખની ૨૨ વર્ષ બાદ સ્પેશિયલ સેલ (એસઆર) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અનુસાર તેને ૨૦૦૧માં દિલ્હીમાં નોંધાયેલા યુએપીએ અને રાજદ્રોહના કેસમાં ભાગેડું જાહેર કરવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લાના ભુસાવલમાંથી પ્રતિબંધિત સંગઠન સિમીના સભ્ય હનીફ શેખની ૨૨ વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. તે ૨૦૦૧માં દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા યુએપીએ અને રાજદ્રોહના કેસમાં આરોપી હતો અને છેલ્લા ૨૨ વર્ષથી ફરાર હતો. એક સ્થાનિક કોર્ટે તેને ૨૦૦૨માં જાહેર અપરાધી જાહેર કર્યો હતો.
પોલીસને માહિતી મળી હતી કે હનીફ શેખ ઉર્ફે હનીફ હુદાઇએ પોતાની ઓળખ બદલીને મોહમ્મદ બનાવી દીધી છે અને હવે તે મહારાષ્ટ્રના ભુસાવળની એક ઉર્દૂ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે ત્યાર બાદ એક ટીમ ત્યાં તૈનાત કરવામાં આવી હતી અને આશા ટાવર, ખડકા રોડ ભુસાવલ મહારાષ્ટ્ર પાસે છટકું ગોઠવવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ હનીફ શેખે જે સિમી મેગેઝીનનું સંપાદન કર્યું હતું તેમાં તેનું નામ હનીફ હુદાઇ તરીકે છપાયેલું હતું. પોલીસ પાસે આ એક માત્ર લીડ ઉપલબ્ધ હતી, જેના કારણે તેને શોધવાનું મુશ્કેલ બન્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
૨૨ ફેબ્રુઆરીએ લગભગ ૨-૫૦ વાગ્યે ટીમે મોહમ્મદીન નગરથી ખડકા રોડ તરફ આવતા એક શંકાસ્પદ વ્યક્તિને હનીફ શેખ તરીકે ઓળખી કાઢ્યો હતો. આ પછી ટીમે આરોપીને ઘેરી લીધો, પરંતુ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો અને ઝપાઝપી બાદ ટીમે તેને પકડી લીધો હતો.
ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ (સ્પેશિયલ સેલ) આલોક કુમારે દાવો કર્યો હતો કે હનીફ સૌથી કુખ્યાત અને વોન્ટેડ સિમી આતંકવાદી હતો. જેણે દેશભરમાં પ્રતિબંધિત સંગઠનની વિવિધ પ્રવૃતિઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ૨૦૦૧માં દિલ્હી ભાગી ગયા બાદ હનીફ જલગાંવ અને ત્યાર બાદ મહારાષ્ટ્રના ભુસાવળ ગયો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.



