સંદેશખાલીમાં ફરજ પરના પત્રકારની ધરપકડ ‘ચિંતાજનક’: એડિટર્સ ગિલ્ડ
નવી દિલ્હી/કોલકાતા: ધ એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાએ મંગળવારે પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા ઑન-ડ્યુટી ટેલિવિઝન પત્રકારની ધરપકડને “ચિંતાજનક” ગણાવી હતી.
અહીં એક નિવેદનમાં ગિલ્ડે જણાવ્યું હતું કે પત્રકાર – સંતુ પાન – ટેલિવિઝન પર લાઇવ રિપોર્ટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને પોલીસકર્મીઓ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો હતો. રિપબ્લિક બાંગ્લાના પત્રકાર પાનની સોમવારે મોડી સાંજે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો પત્રકાર પર આરોપો મૂકવામાં આવ્યા હોય તો પોલીસે ચોક્કસપણે તપાસ કરવી જોઈએ, પરંતુ જ્યારે તે રિપોર્ટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને લઈ જવો એ ખરેખર ચિંતાનું કારણ છે.
નિવેદનમાં જણાવાયું હતું કે એડિટર્સ ગિલ્ડ પશ્ચિમ બંગાળમાં વહીવટીતંત્રને ઝડપી તપાસ કરવા અને પાનને કોઈ અન્યાય ન થાય તેની ખાતરી કરવા માટે હાકલ કરે છે. સરકારે પ્રેસની સ્વતંત્રતાના રક્ષણ માટે શક્ય તેટલું બધું કરવું જોઈએ.
કોલકાતા પ્રેસ ક્લબે પણ તેની ધરપકડની નિંદા કરી હતી અને તેને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી. પોલીસે કહ્યું કે અમે સંદેશખાલી વિસ્તારની એક મહિલા દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે તેની ધરપકડ કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે આ પત્રકાર તેના ઘરમાં ઘૂસી ગયો હતો જ્યારે તેણે યોગ્ય રીતે પોશાક પહેર્યો નહોતો અને પ્રસારણ શરૂ કર્યું હતું.