ગમે ત્યારે થઈ શકે છે ઝારખંડના CM હેમંત સોરેનની ધરપકડ! DGP અને મુખ્ય સચિવ CM આવાસ પહોચ્યા

રાંચી: કથિત જમીન કૌભાંડમાં EDની ટીમ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની (CM Hemant Soren) 6 કલાકથી પૂછપરછ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે તેની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. રાંચીમાં સીએમ આવાસની બહાર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રિન્સિપલ સેક્રેટરી અને ડીજીપી પણ સીએમ આવાસ પર પહોંચી ગયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, CM સોરેનની ધરપકડના ભય વચ્ચે ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્યોને અન્ય સ્થળે લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે.
EDની ટીમ હેમંત સોરેનની પૂછપરછ કરવા માટે બપોરે 1.15 વાગ્યે રાંચીના સીએમ આવાસ પર પહોંચી હતી. તેની સતત કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી રહી છે અને જમીન કૌભાંડમાં તેની ભૂમિકા અંગે સવાલો પૂછવામાં આવી રહ્યા છે. સાત અધિકારીઓની ટીમ સાથે મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ પહોંચ્યા છે. અત્યાર સુધીમાં EDએ હેમંતને 10 સમન્સ જારી કર્યા છે.
EDની પૂછપરછ વચ્ચે સીએમ હેમંત સોરેનના સમર્થકો પણ રાંચીમાં સક્રિય થઈ ગયા છે અને મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે. આ લોકો તેમના પર આદિવાસી નેતાને હેરાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જોકે પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો છે. એક દિવસ પહેલા જ રાજ્યપાલે ડીજીપી અને મુખ્ય સચિવને બોલાવીને કાયદો અને વ્યવસ્થા અંગે માહિતી લીધી હતી.