જાગ્યા ત્યારથી સવાર, મોડે મોડે પણ દિલ્હી રેલવે સ્ટેશન પર ભીડ નિયંત્રણ માટે વ્યવસ્થા કરાઇ

નવી દિલ્હીઃ નાસભાગ અને અફડાતફડીને કારણે થયેલી દુર્ઘટના બાદ પણ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર હજુ સુધી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. મહાકુંભમા જવા માટે ટ્રેન પકડવા માટે લોકો મોટી સંખ્યામાં પ્લેટફોર્મ પર આવી રહ્યા છે. ભીડને નિયંત્રિત કરવા માટે રેલ્વે પ્રશાસને અનેક પ્રકારની વ્યવસ્થા લાગુ કરી છે જે મુજબ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટ નું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ 26 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
રેલવે સ્ટેશન ઉપરની ભીડ ઓછી કરવા માટે પ્લેટફોર્મ ટિકિટ બંધ કરવામાં આવી છે. ફક્ત વૃદ્ધ લોકો સાથે જ કોઇને સ્ટેશન પર જવાની મંજૂરી આપવામાં આવી છે. ભીડને કાબુમાં લેવા માટે અહીં આરપીએફ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે આ ઉપરાંત થઈ પોસ્ટ કરાયેલા જુના એસ એચ ઓને પણ બોલ પાછા બોલાવવામાં આવ્યા છે અને પોલીસને પણ કંટ્રોલિંગ વધારવા માટે કહેવામાં આવ્યું છે.
ટિકિટ ચેક કર્યા પછી જ લોકોને અંદર જવા દેવામાં આવશે :-
પ્લેટફોર્મ પર પ્રવેશતા પહેલા લોકોની ટિકિટોની તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોને ફક્ત કન્ફોર્મ અથવા જનરલ ટિકિટ હોય એ મુજબ અને ટ્રેનના સમયને ધ્યાનમાં રાખીને અંદર જવા દેવામાં આવી રહ્યા છે.
અલગ વેઇટિંગ એરિયા બનાવ્યાઃ-
રેલ્વે પ્રશાસને હવે મુસાફરો માટે અલગ અલગ સ્થળોએ વેઇટિંગ એરિયા બનાવ્યા છે. ક્યારેક બે, ત્રણ ટ્રેનો એક જ પ્લેટફોર્મ પર અમુક સમયે અંતરે આવતી હોય છે જેના કારણે એ પ્લેટફોર્મ પર લોકોની ભારે ભીડ થઈ જાય છે. આવા મુસાફરો માટે વેઇટિંગ એરિયા બનાવવામાં આવ્યા છે જ્યાં તેઓ તેમની ટ્રેનની રાહ જોઈ શકે છે.
આ પણ વાંચો…કોણ છે આ કૉંગ્રેસી સાંસદની વિદેશી પત્ની જેના પર ભાજપે હોબાળો મચાવ્યો છે
એસ્કેલેટર બંધ કર્યું છે :-
પ્લેટફોર્મ નંબર 14 અને 15 પરના મુસાફરોની સુવિધા માટે લગાવવામાં આવેલા એસ્કેલેટરમાંથી એક તૂટી ગયું હતું તે ખરાબ હાલતમાં હોવાથી તેની આસપાસ બેરિકેડિંગ કરીને તેને બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકોને બીજા એસ્કેલેટરનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. આ પગલા સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો…આટલા ગુજરાતીઓ સાથે યુએસથી ઇમિગ્રન્ટ્સની ત્રીજી બેચ અમૃતસર એરપોર્ટ પહોંચી
સુરક્ષાકર્મીઓ લોકો પર ધ્યાન આપશે :-
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી ભાગદોડ બાદ મુસાફરોની સગવડતા માટે રેલ્વે સ્ટેશન ઉપર સુરક્ષા કર્મચારીઓની સંખ્યા વધારી દેવામાં આવી છે. સુરક્ષા કર્મચારીઓ મુસાફરોને એક કતારમાં ઊભા રાખશે અને લોકોને વારાફરતી ટ્રેનમાં ચઢવામાં સહાય કરશે, જેથી કોઈ પણ પ્રકારની ધક્કા મૂક્કી અને અવ્યવસ્થા ટાળી શકાય.