જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ગોળીબારમાં બે જવાનો ઘાયલ
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓ સક્રિય થયા છે. રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં મંગળવારે બે જવાનો ઘાયલ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લાના સૂમ-બ્રોહ ગામના જંગલ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઑપરેશન બાદ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સોમવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી.
તેમની શંકાસ્પદ ગતિવિધિઓની માહિતી મળ્યા બાદ સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સહિતના સુરક્ષા દળોની સંયુક્ત ટીમે કાલાકોટ વિસ્તારના જંગલને ઘેરી લીધું હતું. આતંક-વિરોધી ઓપરેશન દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓની સર્ચ ટીમ વચ્ચે સંપર્ક સ્થાપિત થયા બાદ સોમવારે સાંજે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે.
આતંકીઓએ ઘેરો તોડવાના પ્રયાસમાં સેના પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે એન્કાઉન્ટરમાં સેનાના બે જવાન ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની તબિયત સ્થિર બતાવવામાં આવી રહી છે.