ગાંધીનગરનેશનલ

સશસ્ત્ર સેના ધ્વજ દિવસ: PM મોદી અને CM ભૂપેન્દ્ર પટેલે ફાળો અર્પણ કરી વીર જવાનોનો ઋણ સ્વીકાર્યો

ગાંધીનગર/નવી દિલ્હી: આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ (Armed Forces Flag Day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુજરાત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

દર વર્ષે ૭મી ડિસેમ્બરે મનાવવામાં આવતા આ દિવસે, દેશની સરહદોનું રક્ષણ કરતા અને પોતાની ફરજ નિભાવતા વીર જવાનો અને સશસ્ત્ર દળોના પરિવારોના કલ્યાણ માટે સ્વૈચ્છિક ફાળો એકત્રિત કરવામાં આવે છે. મુખ્ય પ્રધાને પણ આ ઉમદા હેતુ માટે પોતાનું યોગદાન આપીને શહીદ જવાનોના પરિવારોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “સશસ્ત્ર સેના ધ્વજ દિવસના અવસરે, આપણે અડગ હિંમત સાથે આપણા રાષ્ટ્રનું રક્ષણ કરનારા બહાદુર પુરુષો અને મહિલાઓ પ્રત્યે આપણો ઊંડો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમનું શિસ્ત, દૃઢ નિશ્ચય અને ભાવના આપણા લોકોને સુરક્ષિત રાખે છે અને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે. તેમનું સમર્પણ આપણી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ, શિસ્ત અને નિષ્ઠાનું એક શક્તિશાળી ઉદાહરણ છે. ચાલો આપણે પણ સશસ્ત્ર સેના ધ્વજ દિવસના ફંડમાં યોગદાન આપીએ.” આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પણ સશસ્ત્ર સેના ધ્વજ દિવસના ફંડમાં યોગદાન આપ્યું હતું.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ (Armed Forces Flag Day) નિમિત્તે ફાળો અર્પણ કરીને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

મુખ્ય પ્રધાને ફાળો અર્પણ કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના ઋણનો સ્વીકાર કરવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. આ તકે, સૈનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ ક્રિષ્ણદિપ સિંહ અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ફાળા દ્વારા એકત્ર કરાયેલું દાન સશસ્ત્ર દળોના જવાનો, ભૂતપૂર્વ સૈનિકો અને દેશની રક્ષા માટે વીરગતિ પામેલા જવાનોના આશ્રિતોના પુનર્વસન અને કલ્યાણની પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાય છે.

આ પણ વાંચો…ગુજરાતની માટીનો ગર્વ: ગાંધી, સરદાર અને PM મોદીના વારસાનું પ્રતિબિંબ – કેવડીયામાં ઉપરાષ્ટ્રપતિએ કર્યા વખાણ!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button