નવી દિલ્હી: દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ 10 મેના રોજ દિલ્હીની તિહાર જેલમાંથી વચગાળાના જામીન પર બહાર આવ્યા બાદ સતત ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આજે રવિવારે (12 મે)ના રોજ તેમની આમ આદમી પાર્ટી (AAP) દ્વારા તેમણે લોકસભા ચૂંટણી 2024 માટે 10 ગેરંટી જાહેર કરી હતી. જેમાં દિલ્હીમાં શાળાઓ અને હોસ્પિટલો બનાવવાની ગેરંટી પણ સામેલ છે.
આ દરમિયાન અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે શું તેમણે આ ગેરંટીની જાહેરાત કરતા પહેલા તેમના સહયોગી I.N.D.I.A એલાયન્સના નેતાઓની સલાહ લીધી હતી. તેના પર દિલ્હીના સીએમએ કહ્યું કે આટલો સમય નહોંતો. જો કે, તેમણે એમ પણ કહ્યું કે તેમને નથી લાગતું કે I.N.D.I.A એલાયન્સના કોઈપણ સાથી પક્ષને શાળાઓ અને હોસ્પિટલોના નિર્માણમાં કોઈ સમસ્યા હોય.
આ અંગે AAP કન્વીનર કેજરીવાલને પૂછવામાં આવ્યું કે શું તમે શું તમે પીએમ પદની રેસમાં છો? જેનો જવાબ આપતા તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે ના તે પ્રધાનમંત્રી બનવાની રેસમાં નથી. તેમણે નિશ્ચિતપણે કહ્યું કે જો તેમની ગઠબંધન સરકાર બનશે તો તેઓ ચોક્કસપણે સુનિશ્ચિત કરશે કે આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ ગેરંટી પૂરી થાય.
જનતા કોની ગેરન્ટી પર વિશ્વાસ મુકશે આ સવાલ પર તેમણે કહ્યું, કે ‘આ 10 ગેરંટી નવા ભારતનું વિઝન છે. છેલ્લા 75 વર્ષમાં આવું થવું જોઈતું હતું પણ થઈ શક્યું નથી. કેટલાક એવા કાર્યો છે જેના વિના કોઈ દેશ શક્તિશાળી બની શકતો નથી. આ કામો યુદ્ધના ધોરણે કરવામાં આવશે.’ AAP નેતાએ કહ્યું કે લોકોએ નક્કી કરવું પડશે કે તેઓ મોદીની ગેરંટી પર વિશ્વાસ કરવા માંગે છે કે કેજરીવાલની ગેરંટી પર.
તેમણે વધુમાં કહ્યું, “અમે છેલ્લી ચૂંટણીઓ પહેલા જાહેર કરેલી તમામ ગેરંટી પૂરી કરી દીધી છે. મોદીજી આવતા વર્ષે નિવૃત્ત થશે, ત્યાર બાદ તેમની ગેરંટી કોણ પૂરી કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી પરંતુ કેજરીવાલ અહીં રહેવાના જ છે, તેથી હું ખાતરી કરીશ કે કેજરીવાલની ગેરંટી પરિપૂર્ણ થાય.”