સુપ્રીમ કોર્ટમાં આજે આ મહત્વના કેસોની સુનાવણી થશે…
નવી દિલ્હી: સોમવાર એટલે કે આજે 6 નવેમ્બરના દિવસ સુપ્રીમ કોર્ટમાં માટે અને પ્રજા માટે ખુબજ મહત્વનો દિવસ બની રહેશે. કારણકે આજે સુપ્રીમ કોર્ટમાં ઘણા મહત્વના કેસોની સુનાવણી થવાની છે. જેમાં બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિનો કેસ, સુપ્રીમ કોર્ટ આજે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ કેસની પણ સુનાવણી કરવા જઈ રહી છે. આ ઉપરાંત ચીનથી ન્યૂઝક્લિક વેબસાઇટને ફંડિંગ કરવાના આરોપનો સામનો કરી રહેલા બે આરોપીઓ સામે પણ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.
માર્ચમાં તેજસ્વીએ નિવેદન આપ્યું હતું કે ફક્ત ગુજરાતીઓ જ ઠગ હોઈ શકે છે. આ પછી અમદાવાદની એક કોર્ટમાં તેજસ્વી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસને બિહારની કોર્ટમાં ટ્રાન્સફર કરવા માટે તેજસ્વી યાદવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જેના પર આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે.
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ ઘણા સમયથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. પરંતુ હાલમાં હિંદુ પક્ષે મસ્જિદના સીલબંધ વજુખાનાને ખોલવાની અને તેના વૈજ્ઞાનિક સર્વેની પણ માંગ કરી છે. જો કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) વિભાગના જણાવ્યા અનુસાર તેમણે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનો સર્વે પૂર્ણ કરી લીધો છે. પરંતુ ડ્રાફ્ટ રિપોર્ટને સંપૂર્ણ રીતે તૈયાર કરવા માટે તેને વધુ સમયની જરૂર છે.
વારાણસીની અદાલતે ASIને 17 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. પરંતુ સુપ્રીમ કોર્ટ જો વજુખાનાના સર્વે માટે પરવાનગી આપતો આદેશ આપશે તો ASI ની ટીમને બાકીના સર્વે માટે કેટલો સમય ફાળવવામાં આવશે તે આજની સુનાવણી બાદ જ ખબર પડશે.
ન્યૂઝક્લિક નામની ન્યૂઝ વેબસાઈટને ચીન તરફથી ભંડોળના મળે છે અને પછી તે ભંડોળથી ભારત વિરોધી ગતિવિધિઓ થતી હોવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. આરોપી પ્રવીર પુરકાયસ્થ અને અમિત ચક્રવર્તીની અરજી પર આજે સુનાવણી થશે.
જો કે બંને આરોપીઓએ તેમની ધરપકડને ખોટી ગણાવી છે. પોતાના બચાવમાં તેમણે કહ્યું હતું કે તેમની કોઈપણ સૂચના વિના ધરપકડ કરવામાં આવી હતી. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે આ અરજી પર દિલ્હી પોલીસ પાસેથી જવાબ માંગ્યો હતો.