TMC સાંસદ યુસુફ પઠાણ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા ભાજપના કોર્પોરેટની અરજી

વડોદરા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની પાર્ટીથી લોકસભાની ચૂંટણીમાં જીતીને સાંસદ બનેલા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ હાલ સરકારી જમીન પર દબાણ કરવાના આરોપ હેઠળ ચર્ચાનો વિષય બની રહ્યા છે. તેમના પર કથિત રીતે કોર્પોરેશનની જમીન પર દબાણ કરવાનો આરોપ છે અને હવે તેની મુશ્કેલી વધે તેવા સંકેતો પણ જણાઈ રહ્યા છે. કરણ કે તેમના દ્વારા કરાયેલ દબાણણે હટાવવા માટે તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા માટે અરજી કરવામાં આવી છે.
ભાજપના કોર્પોરેટ નીતિન દોંગા દ્વારા આ બાબતને લઈને પાલિકાની સભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે હું આ અરજી ભાજપના કોર્પોરેટ તરીકે નહીં પણ એક નાગરિક તરીકે કરું છું. જો કે તેનો પ્રત્યુતર આપતા વિપક્ષના નેતા અમી રાવતે કહ્યું હતું કે તો આટલા વર્ષથી શું અધિકારીઓ સૂતા હતા. અત્યાર સુધી કેમ ચલાવવામાં આવ્યું ? આ બાદ અમી રાવતે સાંસદ રંજનબેન ભટ્ટને મનપા દ્વારા આપવામાં આવેલ પ્લોટને લઈને મુદ્દો ઉઠ્યો હતો અને આથી વિપક્ષ અને સત્તા પક્ષ આમને સામને આવી ગયા હતા.
યુસુફ પઠાણના તાંદલજા વિસ્તારમાં આવેલા તેમના પ્લોટનો મુદ્દો હાલ ચર્ચામાં છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું યુસુફ પઠાણ દ્વારા તેમના ઘરની બાજુમાં આવેલા પ્લોટની જે તે વખતે તેઓએ માંગણી કરેલી હતી. તે અનુસંધાને તે સમયે સ્થાયી સમિતિ અને સભા દ્વારા તેને જે તે કિંમતના આધારે મંજૂરી આપવામાં આવી હતી. બાદમાં આ દરખાસ્ત અંગે સરકારમાં આ પ્લોટને નામંજૂર કરવામાં આવ્યો હતો. તેમ છતાં તેઓએ આ પ્લોટ પર કબજો કર્યો હતો. જેને લઈ અમે નોટિસ આપી છે, આ નોટિસ બાદ તેઓને શોર્ટ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ જો તેઓ દબાણ દૂર નહીં કરે, તો કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.