એપલ iPhone 17ના ઉત્પાદનમાં હવે ભારત ચીનની પાછળ નહીં રહેઃ અમેરિકા માટે iPhone સપ્લાય હવે ભારતથી થશે

નવી દિલ્હી: એપલના આગામી iPhone 17ના ઉત્પાદન માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, અને આ વખતે ભારત તેમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. એપલના મુખ્ય સપ્લાયર ફોક્સકોને ચીનથી ભારતમાં iPhone 17 માટે જરૂરી પાર્ટ્સ મંગાવવાનું શરૂ કરી દીધું છે. આ આયાત કરાયેલી વસ્તુઓ ટ્રાયલ પ્રોડક્શન માટે છે, કારણ કે હાલમાં તેની સંખ્યા જૂના iPhone મોડલની સરખામણીમાં ઘણી ઓછી છે.
ક્યા ક્યા પાર્ટ્સ મંગાવાયા?
કસ્ટમ ડેટા અનુસાર, જુના મહિનામાં ફોક્સકોને ભારતમાં iPhone 17 માટે જરૂરી કમ્પોનન્ટ્સ અને સબ-અસેમ્બલી મંગાવ્યા હતાં. જેમાં ડિસ્પ્લે અસેમ્બલી, કવર ગ્લાસ, મિકેનિકલ હાઉસિંગ અને ઇન્ટિગ્રેટેડ રિયર કેમેરા મોડ્યુલનો સમાવેશ થાય છે. જૂનમાં ફોક્સકોને જે સામાન મંગાવ્યો તેમાં લગભગ 10 ટકા હિસ્સો iPhone 17 સાથે સંકળાયેલો હતો, જ્યારે બાકીના પાર્ટ્સ iPhone 16 અને iPhone 14 માટે હતા, જેને ભારતમાં આગામી તહેવારોના સિઝનમાં વેચવામાં આવશે.
ભારતમાં ટ્રાયલ પ્રોડક્શન જુલાઈમાં
અહેવાલો અનુસાર, iPhone 17નું ટ્રાયલ પ્રોડક્શન આ જ મહિનામાં એટલે કે જુલાઈ 2025માં શરૂ થઈ જશે. ત્યારબાદ ઓગસ્ટમાં મોટા પાયે ઉત્પાદન શરૂ થશે, જેથી સપ્ટેમ્બરમાં iPhone 17નું ગ્લોબલ લોન્ચ કરી શકાય. એપલ આ વખતે iPhone 17નું ઉત્પાદન ભારત અને ચીન બંને જગ્યાએ એક સાથે શરૂ કરશે, જે ભારત માટે એક મોટી ઉપલબ્ધિ હોઈ શકે છે.
અમેરિકા માટે iPhone સપ્લાય ભારતથી થશે
ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા અમેરિકાએ ચીન પર ભારે ટેરિફ લગાવ્યા હતા. ત્યારબાદ એપલે ભારતને એક મોટા મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ હબ તરીકે જોવાનું શરૂ કર્યું. રિપોર્ટમાં જણાવાયું છે કે 2026 સુધીમાં એપલની યોજના છે કે અમેરિકા માટે બનનારા iPhones સંપૂર્ણપણે ભારતથી મોકલવામાં આવે. માર્ચ 2025માં ભારતથી અમેરિકા મોકલવામાં આવેલા iPhonesની સંખ્યામાં 219 ટકાનો વધારો નોંધાયો છે.