વિપક્ષી નેતાઓ બાદ હવે કેન્દ્રીય પ્રધાનોના આઈફોન પર પણ આવ્યો હેકિંગના મેસેજ
નવી દિલ્હીઃ વિપક્ષી નેતાઓના આઇફોન પર ચેતવણીના મેસેજ આવ્યા બાદ કેન્દ્ર સરકાર પર પસ્તાળ પાડવામાં આવી રહી છે, આ મામલે સરકાર બચાવ કરી રહી છે સાથે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં ખુદ કેન્દ્રીય પ્રધાનના આઇફોન પર પણ હેકિંગના એલર્ટનો મેસેજ આવ્યો છે. વિપક્ષી નેતાઓ બાદ હવે કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલના આઈફોન પર પણ હેકિંગનો એલર્ટ મેસેજ આવ્યો હોવાનો ખુલાસો કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કર્યો છે. એ ઉપરાંત શ્યામ સરનને પણ ચેતવણીનો સંદેશ મળ્યો છે. કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિકી (IT) રાજ્ય મંત્રી ચંદ્રશેખરે આ મામલામાં તપાસને સમર્થન આપતાં એમ પણ કહ્યું હતું કે એપલને તેના આઇફોન અને અન્ય ઉપકરણો વિશે ઘણા પ્રશ્નોના જવાબ આપવા પડશે જે તે કહે છે કે સુરક્ષિત છે.
કેન્દ્ર સરકારના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે એપલનું એલર્ટ “અલ્ગોરિધમની ભૂલ” ને કારણે હોઈ શકે છે. આ કારણે વિપક્ષી નેતાઓના એપલ ફોન પર એલર્ટ મળ્યું હતું. નેતાઓએ આ સંદર્ભે સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર મેઇલના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.
વિપક્ષી ગઠબંધન I.N.D.I.Aના નેતાઓના ફોન પર હેકિંગ એલર્ટનો મામલો અત્યારે સોશિયલ મીડિયા અને માધ્યમોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. વિપક્ષી નેતાઓનો દાવો છે કે તેમને મોબાઈલમાં એપલ તરફથી એલર્ટ આવ્યું હતું કે રાજ્ય પ્રાયોજિત હુમલાખોરો ફોન સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓના દાવા બાદ મોટો વિવાદ પેદા થયો હતો. પરંતુ આ કિસ્સામાં મોટો સવાલ એ છે કે વિપક્ષી નેતાઓના ફોન પર હેકિંગ અને ટેપિંગનું એલર્ટ ગયું
કેવી રીતે? સહુ કોઈ આ સવાલનો જવાબ શોધવાની કોશિશમાં છે ત્યારે હવે તેનો જવાબ મળી ગયો છે.
શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એવું કહ્યું હતું કે ગઈકાલે રાત્રે મને મારા ફોન પર ચેતવણી મળી હતી. હું 15-20 વર્ષથી એપલનો ઉપયોગ કરું છું, આવો કોઈ મેઇલ ક્યારેય મળ્યો નથી. આ એક ગંભીર ચેતવણી હતી. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે તે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ છે. તેમણે કહ્યું કે આજે સવારે, મને ખબર પડી કે ઘણા વિપક્ષી નેતાઓને આ સંદેશ મળ્યો છે.
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મહુઆ મોઇત્રા, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા પ્રિયંકા ચતુર્વેદી, આપ નેતા રાઘવ ચઢ્ઢા, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના નેતા પવન ખેરા અને તિરુવનંતપુરમ કોંગ્રેસના સાંસદ શશી થરૂર સહિતના નેતાઓને એલર્ટનો મેસેજ આવ્યો છે.