હવે કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવાર મળશે પછી ભલે તે કંપનીના નેટવર્કમાં હોય કે ન હોય…..

નવી દિલ્હી: જો તમે ક્યારેય સ્વાસ્થ્ય વીમા પર સારવાર કરાવી હોય તો તમે જાણતા જ હશો કે વીમા કંપનીઓએ પહેલેથી જ ઘણી હોસ્પિટલો સાથે ટાય અપ કરી રાખે છે જ્યાં તમને કેશલેસ સારવારનો લાભ મળે છે. પરંતુ જો તમે ટાયઅપ વગરની કોઈપણ હોસ્પિટલમાં ગયા તો તમને તમારા વીમાનો કોઈ લાભ મળતો નથી. અને તમારી પાસે વીમો હોવા છતાં પૈસા આપીને સારવાર કરાવવી પડે છે. પરંતુ હવે જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ (GIC) એ પોલિસી ધારકોના હિતમાં એવો નિર્ણય લીધો છે કે હવે પોલિસી કે વીમા ધારક કોઈપણ હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલે કંપનીઓ સાથે વાતચીત કર્યા બાદ ‘કેશલેસ એવરીવ્હેર’ની પહેલ શરૂ કરી છે. જેમાં દેશની કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવારની સુવિધા આપવા પર સહમતિ દર્શાવવામાં આવી છે.
હાલમાં હેલ્થ પોલિસી ખરીદનારા ગ્રાહકો માત્ર તે હોસ્પિટલમાં જ કેશલેસ સારવારની સુવિધા મેળવી શકે છે, જે વીમા કંપનીના નેટવર્કમાં સામેલ છે. જો કોઈ હોસ્પિટલ કંપનીના નેટવર્કમાં સામેલ ન હોય તો ત્યાં સારવાર માટે પોલિસીધારકે વીમો હોવા છતાં સમગ્ર રકમ પોતે ચૂકવવી પડે છે. અને બાદમાં તેણે વીમા કંપની પાસેથી વળતર મેળવવું પડે છે. અને આ બધામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કે જો વ્યક્તિ પાસે સારવાર માટે પૈસા ન હોય તો તે વીમાનો લાભ મેળવી શકતો નથી એટલે જ જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલે આ પહેલની શરૂઆત કરી છે.
જનરલ ઈન્સ્યોરન્સ કાઉન્સિલ (GIC)ની આ નવી પહેલ મુજબ કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સુવિધા મેળવવા માટે પોલિસી ધારકે તેની વીમા કંપનીને ઓછામાં ઓછા 48 કલાક અગાઉ જાણ કરવાની રહેશે. ખાસ બાબત તો એ છે કે તમામ સામાન્ય અને આરોગ્ય વીમા કંપનીઓ સંયુક્ત રીતે કેશલેસ એવરીવ્હેરની સુવિધા શરૂ કરી રહી છે.