
નવી દિલ્હી: લોકસભામાં પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર મુદ્દે મહાચર્ચા ચાલી રહી છે અને હજુ આવતીકાલે પણ ગૃહમાં આ મુદ્દા પર ચર્ચા થવાની છે. આ દરમિયાન, પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર ચર્ચામાં ભાગ લેતા વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. તેમણે રાહુલ ગાંધીને ‘પાકિસ્તાનના પોસ્ટર બોય’ ગણાવ્યા હતા. તેમણે પ્રહારો કરતા કહ્યું કે રાહુલ ગાંધી હવે લોકસભામાં વિપક્ષના નેતા (LoP) માંથી ‘લોબીના નેતા’ (LoB) બની ગયા છે. આ ટિપ્પણી સાથે જ સંસદમાં રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો હતો.
ભારતે શાંતિ માટે હાથ લંબાવ્યો પણ શું મળ્યું?
લોકસભામાં ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક વખતે શાંતિ માટે હાથ લંબાવ્યો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી લાહોર પણ ગયા પરંતુ તેમ છતાં બદલામાં શું મળ્યું? દરેક વખતે આતંકી હુમલાઓ. આ વર્ષે 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા, વિપક્ષના કોઈ પણ સભ્યે એવું ન કહ્યું કે લોકોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા. આટલું બોલવામાં વિપક્ષને શું વાંધો હતો? જ્યારે રક્ષા પ્રધાન સેનાના શૌર્યની વાત કરી રહ્યા હતા ત્યારે પણ કોઈએ એક તાળી ન વગાડી.
તેમણે આગળ જણાવ્યું હતું કે આતંકીઓએ 140 કરોડ ભારતીયોને પડકાર ફેંકવાનું દુ:સાહસ કર્યું હતું. હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આતંકીઓએ કલ્પના ન કરી હોય તેવી સજા આપવામાં આવે અને તે આપણે ઓપરેશન સિંદૂરમાં જોયું. 7 મેના રોજ અમે દુશ્મનને જવાબ આપતા આતંકી ઠેકાણાઓ પર અચૂક પ્રહાર કર્યો. 25 મિનિટમાં 9 ઠેકાણાઓ પર પ્રહાર કરીને ધ્વસ્ત કરવાનું કામ કર્યું.
ભારત પાકિસ્તાનને ડોઝિયર નહીં, ‘ડોઝ’ આપશે
અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે હવે ભારત પાડોશી પાકિસ્તાનને ડોઝિયર નહીં, પણ ‘ડોઝ’ આપશે, કારણ કે આ નવું ભારત છે. આકરા પ્રહાર કરતા કહ્યું કે ભારત અઢી મોરચે લડી રહ્યું હતું, જેમાં ‘અડધો’ મોરચો રાહુલ ગાંધીના કબજાવાળી કોંગ્રેસ છે. તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું, “સેના પ્રમુખને રસ્તાનો ગુંડો કહો છો. રાહુલ ગાંધીએ આ સદનમાં શરમથી માથું ઝુકાવીને માફી માંગવી જોઈએ.”
આ પણ વાંચો…ઓપરેશન સિંદૂર કોઈના દબાણથી નહીં પણ પાકિસ્તાનની અપીલથી રોક્યું: સંસદમાં રાજનાથ સિંહનો ‘જવાબ’…