ચીન સમર્થક અનુરાકુમાર દિસાનાયકે બન્યા શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ, ભારત માટે ચિંતાનો વિષય
શ્રીલંકામાં આર્થિક કટોકટી અને મોટી રાજકીય ઉથલપાથલ બાદ પ્રથમ વખત રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ છે. આ સામાન્ય ચૂંટણીઓમાં આઉટગોઇંગ પ્રેસિડેન્ટ રાનીલ વિક્રમાસિંઘેને ડાબેરી નેતા અનુરાકુમારા દિસાનાયકેના હાથે મોટા અપસેટનો સામનો કરવો પડ્યો છે. દિસાનાયકેએ શાનદાર જીત નોંધાવી છે અને તેઓ શ્રીલંકાના આગામી રાષ્ટ્રપતિ બનશે. શ્રીલંકામાં દેશના દસમા રાષ્ટ્રપતિને ચૂંટણી માટે 21 સપ્ટેમ્બરે મતદાન થયું હતું અને ગઈકાલે સાંજે 5:00 વાગ્યા પછી મતગણતરી શરૂ થઈ હતી.
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક કરોડ 70 લાખ મતદારોમાંથી લગભગ 75% મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. નવેમ્બર 2019માં યોજાયેલી છેલ્લી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 83% મતદાન નોંધાયું હતું. મત ગણતરીના ડેટા પ્રાપ્ત થયા ત્યાં સુધીમાં, દિસાનાયકે 54 ટકા મતો સાથે મજબૂત બહુમતી તરફ આગળ વધી રહ્યા હતા. દિસાનાયકે શ્રીલંકાના 10મા રાષ્ટ્રપતિ હશે. ગોટાબાયા રાજપક્સેની હકાલપટ્ટી બાદ રાષ્ટ્રપતિ પદ સંભાળનાર રાનિલ વિક્રમસિંઘે ચૂંટણીમાં ત્રીજા સ્થાને છે. આ ચૂંટણી તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા.
અનુરાકુમાર દિસાનાયકેની વાત કરીએ તો તેઓ કટ્ટર ચીન સમર્થક છે. દિસાનાયકે કોલંબોના સાંસદ છે. તેઓ નેશનલ પીપલ્સ પાર્ટી અને JVP પાર્ટીનું નેતૃત્વ કરે છે. તેમણે ઘણી વખત ભારતનો વિરોધ કર્યો છે. તેમનો ચીન તરફ ખાસ ઝુકાવ છે. 2022માં શ્રીલંકાની આર્થિક અને રાજકીય કટોકટી પછી, તેમણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અને ગરીબોના મસીહા અને ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકેની તેમની છબી મજબૂત થઈ હતી. તેઓ 2019માં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી ચૂક્યા છે.
માર્ક્સવાદ અને લેનિનવાદ તરફ દિસાનાયકેના ઝુકાવને ધ્યાનમાં રાખીને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ ભારત વિરોધી પગલાં લઈ શકે છે. તેમણે ભારત-શ્રીલંકા શાંતિ સમજૂતી દ્વારા શ્રીલંકાના ગૃહ યુદ્ધમાં ભારતીય હસ્તક્ષેપનો વિરોધ કર્યો હતો. તાજેતરમાં, તેમણે શ્રીલંકામાં 484 મેગાવોટ માટે અદાણી જૂથનો 444 કરોડનો સોદો રદ કરવાની પણ વાત કરી હતી. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પ્રોજેક્ટ રદ કરી દેશે.
દિસાનાયકેની પાર્ટીના સંસદમાં માત્ર ત્રણ નેતાઓ છે. તેમનો પક્ષ અર્થતંત્રમાં ચીનની દખલગીરીનું સમર્થન કરે છે, ઉપરાંત તેઓ બંધ બજારની આર્થિક નીતિમાં વિશ્વાસ રાખે છે. નોંધનીય છે કે શ્રીલંકાના આર્થિક સંકટ માટે ચીનને જવાબદાર માનવામાં આવતું હતું. ચીનના દેવાની જાળમાં ફસાયા બાદ જ શ્રીલંકાની હાલત ખરાબ થઈ ગઈ છે. તે જ સમયે, ખરાબ સમયમાં ચીને તેની તરફ મદદનો હાથ પણ લંબાવ્યો નહોતો.
રાનિલ વિક્રમસિંઘેના વિદેશ પ્રધાન અલી સાબરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દિસાનાયકેને જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગત ચૂંટણીમાં દિસનાયકેની પાર્ટીને માત્ર ત્રણ ટકા વોટ મળ્યા હતા. આ વખતે તેમણે ભ્રષ્ટાચારને મુદ્દો બનાવ્યો અને શ્રીલંકાની કિસ્મત બદલવાનું સપનું બતાવીને લોકપ્રિય બની ગયા. જોકે, દિસાનાયકે રાષ્ટ્રપતિ બનતા એક વાત તો નક્કી જ છે કે ભારતે હવે આ પડોશી દેશની દુશ્મનાવટનો પણ સામનો કરવો પડશે.