
નવી દિલ્હીઃ દિલ્હીના તુર્કમાન ગેટ વિસ્તારમાં ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણવાળા વિસ્તારમાં બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) એ બુધવારે વહેલી સવારે દિલ્હીના રામલીલા મેદાન પાસે, તુર્કમાન ગેટ સ્થિત ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ પાસેના દબાણવાળા વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચલાવી હતી. વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે આશરે 17 બુલડોઝર મંગાવવામાં આવ્યા હતા. દિલ્હી હાઈ કોર્ટના નિર્દેશ બાદ MCD દ્વારા દબાણ સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
દબાણ હટાવવા માટે રાતથી જ બુલડોઝર આવી ગયા હતા. કેટલાક લોકો કામમાં અડચણ પેદા કરશે તેનો અંદાજ હોવાથી તૈયારી સાથે તંત્ર આવ્યું હતું. સ્થાનિકોએ કાર્યવાહીનો વિરોધ કર્યો અને કેટલાક લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસે હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, હાઈ કોર્ટના આદેશ બાદ એમસીડીએ 7 જાન્યુઆરીના રોજ વહેલી સવારે દિલ્હીના રામલીલા મેદાન નજીક તુત્કમાન ગેટ નજીક ફૈઝ-એ-ઈલાહી મસ્જિદ નજીક દબાણ હટાવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન કેટલાક ઉપદ્રવીઓએ પથ્થરમારો કરીને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. હળવો લાઠીચાર્જ કરીને સ્થિતિ પર કાબુ મેળવાયો હતો. પોલીસ અનુસાર દબાણ હટાવતાં પહેલા શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમન કમિટીના સભ્યો અને સ્થાનિકો સાથે સમન્વય બેઠક યોજાઈ હતી.
સિટી એસ.પી. ઝોનના ડેપ્યુટી કમિશનરે કહ્યું, કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી રાતોરાત કરવામાં આવી હતી. આ માળખું 4000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું હતું અને તોડી પાડવાની આ કામગીરી માટે 32 જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.. અમે આવતીકાલ સુધીમાં આ કાટમાળ સાફ કરી દેવાનો પ્રયત્ન કરીશું.પથ્થરમારા દરમિયાન કોઈને ઈજા થઈ નથી, પોલીસે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.



